
અમેરિકાના જ સાંસદોએ સંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ.ભારત પર ૫૦% ટેરિફ રદ કરો, અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ રજૂ.રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો બનાવીને ભારત પર ઝીંકેલા અધધધ ટેરિફનો હવે અમેરિકામાં જ વિરોધ થવા લાગ્યો છે.અમેરિકી પ્રતિનિધિ સભાના ૩ સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારતથી આયાત કરાયેલા સામાન પર ૫૦ ટકા સુધીના ટેરિફને દૂર કરવાના હેતુસર શુક્રવારે એક પ્રસ્તાવ રજૂ કર્યો. સાંસદોએ આવા ઉપાયોને ગેરકાયદેસર ગણાવ્યા અને તર્ક આપ્યો કે આ અમેરિકી શ્રમિકો, ગ્રાહકો અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે. આ પ્રસ્તાવ પ્રતિનિધિ ડેબોરા રોસ, માર્ક વેસી અને રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા લાવવામાં આવ્યો છે. આ દ્વિપક્ષીય સેનેટ ઉપાયને અનુરૂપ છે જેનો હેતુ બ્રાઝિલ પર સમાન ટેરિફને સમાપ્ત કરવો અને આયાત ડ્યૂટી વધારવા માટે રાષ્ટ્રપતિની ઈમરજન્સી શક્તિઓના ઉપયોગને મર્યાદિત કરવાનો છે. નિવેદન મુજબ આ પ્રસ્તાવનો હેતુ આંતરરાષ્ટ્રીય ઈમરજન્સી આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA)હેઠળ ભારત પર લગાવવામાં આવેલા વધારાના ૨૫ ટકા ટેરિફને રદ કરવાનો છે. આ ટેરિફ ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ લગાવવામાં આવ્યો હતો. જે પહેલા લગાવવામાં આવેલા ટેરિફથી ઘણો વધુ હતો. ટ્રમ્પ સરકારે અનેક ભારતીય મૂળના ઉત્પાદનો પર ડ્યૂટીને કુલ ૫૦ ટકા સુધી વધારી દીધી હતી.
કોંગ્રેસવુમન રોસે જણાવ્યું કે ઉત્તરી કેરોલિનાની અર્થવ્યવસ્થા વેપાર, રોકાણ અને જીવંત ભારતીય અમેરિકી સમુદાયના માધ્યમથી ભારત સાથે ગાઢ જાેડાયેલી છે. તેમણે કહ્યું કે ભારતીય કંપનીઓએ રાજ્યમાં એક અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેનાથી જીવન વિજ્ઞાન, અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં હજારો નોકરીઓ પેદા થઈ. જ્યારે ઉત્તરી કેરોલિનાના નિર્માતા વાર્ષિક લાખો ડોલરનો સામાન ભારતને નિકાસ કરે છે.
કોંગ્રેસી વેસીએ આ ટેરિફને રોજબરોજના ઉત્તર ટેક્સાસના રહીશો પર એક કર ગણાવ્યો જે પહેલેથી જ વધુ ખર્ચા સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, આર્થિક અને રણનીતિક ભાગીદાર છે. ભારતીય અમેરિકી કોંગ્રેસી કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ટેરિફ પ્રતિઉત્પાદક છે, આપૂર્તિ શ્રૃંખલાઓને ખોરવે છે, અમેરિકી કામદારોને નુકસાન પહોંચાડે છે અને ગ્રાહકો માટે ખર્ચા વધારે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેને સમાપ્ત કરવાથી અમેરિકા-ભારત આર્થિક અને સુરક્ષા સહયોગને મજબૂત કરવામાં મદદ મળશે.
આ પ્રસ્તાવ કોંગ્રેસના ડેમોક્રેટ્સ દ્વારા ટ્રમ્પના એકતરફથી વેપાર ઉપાયોને પડકારવા અને ભારત સાથે અમેરિકાના સંબંધો ફરીથી સ્થાપિત કરવાના વ્યાપક પ્રયાસનો ભાગ છે. આ અગાઉ ઓક્ટોબરમાં રોસ, વેસી અને કૃષ્ણમૂર્તિએ ૧૯ અન્ય સાંસદો સાથે મળીને રાષ્ટ્રપતિને પોતાની ટેરિફ નીતિઓને પલટી નાખવાનો અને ભારત સાથે તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને સુધારવાનો આગ્રહ કર્યો હતો.
ટ્રમ્પે ૧ ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો હતો પરંતુ ત્યારબાદ થોડા દિવસો પછી ૨૫ ટકા વધુ વધારો ઝીંકાયો. જેના કારણે કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો. તેમણે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીનો હવાલો આપતા દાવો કર્યો હતો કે આ ખરીદી રશિયાના યુક્રેન યુદ્ધના ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપે છે.




