
‘વિરોધ કરો, પણ મર્યાદા ન ઓળંગો વડાપ્રધાન મોદી પર ખડગેની ટિપ્પણીથી ભડક્યાં રાજનાથ સિંહ આ માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારનું અપમાન નથી, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે : રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલી ટિપ્પણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસે બિનશરતી માફીની માગ કરી છે અને તેમના નિવેદનના વિરોધમાં દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે. આ વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આ માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારનું નહીં, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે. બીજી તરફ કોંગ્રેસે ખડગેના નિવેદન અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખડગેના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, તેમના મતે આ માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારનું અપમાન નથી, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે. આવી ટિપ્પણીઓ રાજકારણની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવી શકાય છે અને તેની ટીકા પણ કરી શકાય છે. પરંતુ રાજકીય વિરોધ કરતી વખતે વ્યક્તિગત મર્યાદા ઓળંગવી જાેઈએ નહીં.
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, આજે કોંગ્રેસ માત્ર રાજકીય રીતે જ નબળી પડી નથી, પરંતુ તેમના મતે પક્ષનું વૈચારિક રીતે પણ પતન થયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે યાદ રાખવું જાેઈએ કે લોકશાહીમાં જનતા દરેક બાબત પર નજર રાખે છે અને યોગ્ય સમય આવે ત્યારે તેનો જવાબ પણ આપે છે. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ટિપ્પણીઓથી વિચલિત થવાના નથી. લોકોની સેવા કરવાના તેમના સંકલ્પમાં પણ કોઈ ઘટાડો થવાનો નથી.
ખડગેના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય મતભેદના નામે કોઈ વ્યક્તિના પરિવાર કે તેમના સ્વર્ગસ્થ સ્વજનોને નિશાન બનાવવા યોગ્ય નથી. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે બિનશરતી માફીની માગ કરી છે. પક્ષનો આરોપ છે કે, કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન મોદી માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યારબાદ આવા નિવેદનોનો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ભાજપે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પક્ષે પોતાની રાજ્ય એકમોને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાની સૂચના આપી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત બિહારની રાજધાની પટનામાં યોજાયેલા એક કાર્યક્રમથી થઈ હતી. બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંય જવાના નથી. આ વાતનો જવાબ આપતાં ખડગેએ કહ્યું હતું કે, ‘મોદીના બાપ પણ જતા રહેશે.‘
ખડગેની આ ટિપ્પણીને ભાજપે વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતાનું અપમાન ગણાવ્યું છે. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ભાજપ માફીની માગ પર અડગ છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે ખડગેની ટિપ્પણી જે સંદર્ભમાં કરવામાં આવી હતી, તેને પણ ધ્યાનમાં લેવો જાેઈએ.




