
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારત આજે ડિજિટલ અર્થતંત્ર, ઓનલાઇન બેંકિંગ અને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યું છે. સરકારથી માંડીને બેંકો સુધી દરેક સંસ્થા નાગરિકોને ડિજિટલ વ્યવસ્થા અપનાવવા પ્રેરિત કરે છે. બીજી તરફ સામાન્ય નાગરિકે પણ અજાણ્યા ફોન લિંક, OTP ની માંગણી અને બેંકના નામે થતી શંકાસ્પદ વાતચીતથી સાવચેત રહેવું જોઇએ. પરંતુ આખી જવાબદારી ગ્રાહકના માથે નાખી શકાય નહીં. જે સંસ્થાઓ નાગરિકોની માહિતી એકત્રિત કરે છે અને એના આધારે સેવાઓ આપે છે તેમની જવાબદારીએ માહિતીનું રક્ષણ કરવાની છે. ગ્રાહકને સાવચેતી રાખવાનું કહેવું જરૂરી છે, પરંતુ તે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓનો વિકલ્પ બની શકે નહીં.
આખરે, ડિજિટલ યુગમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી છે. SBI જેવી જાહેર ક્ષેત્રની બેંક પર લોકો માત્ર વ્યવહાર માટે નહીં, પરંતુ પોતાની મહેનતની કમાણી અને અંગત માહિતીની સુરક્ષા માટે પણ ભરોસો રાખે છે.
આ ભરોસો જળવાઈ રહે તે માટે પારદર્શિતા, મજબૂત સુરક્ષા અને જવાબદારી અનિવાર્ય છે. ડેટા લીકની તપાસનો હેતુ માત્ર ઘટના કેવી રીતે બની તે શોધવાનો ન હોવો જોઇએ. પરંતુ ભવિષ્ય માં આવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવાનો હોવો જોઇએ. ડિજિટલ ભારતનું સ્વપ્ન ત્યારે જ સાચા અર્થમાં સાકાર થશે, જ્યારે ટેકનોલોજીની ઝડપની સાથે નાગરિકોની સુરક્ષા પણ એટલી જ મજબૂત હશે. કારણ કે ડિજિટલ વિકાસની સાચી કસોટી સુવિધાઓની સંખ્યા નથી. નાગરિકોના વિશ્વાસનું રક્ષણ કરવાની ક્ષમતા છે.




