
આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ’આદિવાસી ન્યાય યાત્રા’નો આજે પાંચમો દિવસ હોય, ઉમરપાડા ખાતે પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ પ્રવીણ રામ, ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ યાત્રા ઉમરગામથી શરૂ થઈ નેત્રંગ, ઝઘડિયા અને નર્મદા થઈ આગામી ત્રીજી તારીખે અંબાજી પહોંચશે અને ચોથી તારીખે ગાંધીનગર ખાતે મહાસભા યોજાશે. છેલ્લા ચાર દિવસથી આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં જનતા દ્વારા યાત્રાને ખૂબ સારો આવકાર આપવામાં આવ્યો અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેમજ ગઇકાલે દેવમોગરા ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં પ્રવીણ રામે જણાવ્યુ હતુ કે ભાજપ સરકારમાં અનેક ગુનેગારો અને જમીન માફિયાઓ ખુલ્લા ફરી રહ્યા છે, જ્યારે આદિવાસી સમાજ, જંગલ જમીન અને સનદના હકો માટે અવાજ ઉઠાવનારા ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવીને સાત વર્ષની સજા કરવામાં આવી છે. આજની તારીખે પણ એક લાખથી વધુ આદિવાસી સનદની અરજીઓ પેન્ડિંગ છે. આ ન્યાય યાત્રાને આદિવાસી સમાજનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે સરકારે આ ખોટી કાર્યવાહીમાંથી તાત્કાલિક પીછેહટ કરવી જોઈએ, નહીં તો આદિવાસી સમાજ વર્ષ ૨૦૨૭માં અંબાજીથી ઉમરગામ સુધીના આખા બેલ્ટમાંથી ભાજપને ઘરભેગી કરી દેશે અને ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર લડત આપશે.
ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા હંમેશાં લોકોના અધિકારો માટે લડ્યા છે અને તેમનો અવાજ બન્યા છે, પરંતુ ભાજપ સરકારે તેમને ખોટી રીતે જેલમાં પૂર્યા છે. એક સરકારી નોકરીનો ત્યાગ કરીને સમાજસેવા માટે આગળ આવેલા આ નેતાના સમર્થનમાં સમગ્ર આદિવાસી સમાજ એકજુટ થઈને સાથ આપે તેવી અપીલ કરવામાં આવી છે. ઉમરગામથી નીકળેલી આ યાત્રાને ગામેગામથી જનતાનો અભૂતપૂર્વ અને ભાવુક સાથ-સહકાર સાંપડી રહ્યો છે. મુલાકાત દરમિયાન લોકો આંખોમાં આંસુ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે અને દીકરીઓને ધીરજ રાખીને હિંમતપૂર્વક લડવા માટે સાંત્વના આપી રહ્યા છે. આ અપાર જનસમર્થન સાથે યાત્રા ઉમરપાડા ખાતે પહોંચી છે અને આગામી દિવસોમાં આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરવામાં આવી છે.




