
દક્ષિણ ભારતમાં મેઘતાંડવની આગાહી દિવાળી પહેલાં દેશના હવામાનમાં પલટો આવ્યો તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ; પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં વરસાદની શક્યતા દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની સંભાવના વચ્ચે ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ૮થી ૧૧ નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળી શકે છે. બીજી તરફ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૮થી ૧૦ નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ અને માહેમાં ૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ પવનની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાેકે, ૮ નવેમ્બર માટે અહીં ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી નથી. દક્ષિણ ભારત ઉપરાંત દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં પણ વરસાદી ગતિવિધિઓ જાેવા મળી શકે છે. ૯થી ૧૧ નવેમ્બર દરમિયાન ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાનમાં થઈ રહેલા ફેરફાર પાછળ અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રથી કેરળ નજીક થઈ દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી નીચલા વાતાવરણમાં પૂર્વીય પવનોનો ટ્રફ રચાયો છે. આ સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે.
આ ઉપરાંત પૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર-પૂર્વ આસામ નજીક બે ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. તેની અસરથી ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, ૧૦ નવેમ્બરથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. તેના પ્રભાવથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની શક્યતા છે. આમ, દિવાળી આસપાસ દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ અલગ-અલગ રહેવાની સંભાવના છે. દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદી માહોલ જાેવા મળી શકે છે, જ્યારે ઉત્તર ભારતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાનું અનુમાન છે.




