
નર્મદા કાંઠે ૧૬૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.વડોદરા જિલ્લાના શિનોરમાં બનશે પ્રથમ થર્મલ પાવર સ્ટેશન.ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને વેગ મળ્યો છે.વડોદરા જિલ્લાના વિકાસમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાવા જઈ રહ્યો છે. શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે જિલ્લાનું સૌપ્રથમ થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની તૈયારીઓ શરૂ થઈ છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૬૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા શિનોર તાલુકામાં કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવામાં આવશે. આ માટે ૮૦૦ મેગાવોટ ક્ષમતાના બે યુનિટ બનાવવાનું આયોજન છે. પ્રોજેક્ટ માટે સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની આશરે ૪૨૫ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે.
સરકાર દ્વારા જમીન સંપાદન અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરાશામળ ગામની ૧૭૦ હેક્ટરથી વધુ, મિંઢોળ ગામની ૧૭૩ હેક્ટરથી વધુ અને માંજરોલ ગામની ૧૭૨ હેક્ટરથી વધુ જમીન સંપાદિત કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. જમીન સંપાદન સાથે અસરગ્રસ્તોને યોગ્ય વળતર, પુનર્વસન અને પુન:સ્થાપનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
જમીન સંપાદન માટે વર્ષ ૨૦૧૩ના કાયદા હેઠળની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. અગાઉ સામાજિક અસર મૂલ્યાંકન (SIA માંથી મુક્તિ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલમ ૧૦(એ) અને હવે કલમ ૧૧ હેઠળના જાહેરનામા બહાર પડતાં પ્રોજેક્ટની કામગીરી આગળ વધી છે.
શિનોર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે નર્મદા નદીનો કાંઠો અનુકૂળ માનવામાં આવ્યો છે. નર્મદા નદીમાંથી પાણીની ઉપલબ્ધતા અને સામે કિનારે આવેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં લિગ્નાઇટ કોલસાની ખાણ હોવાને કારણે આ સ્થળની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શિનોર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની ચર્ચા છેલ્લા ચાર દાયકાથી ચાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં પણ આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. તે સમયે બે વર્ષમાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર કામગીરી આગળ વધી શકી નહોતી.
હવે લાંબા સમય બાદ સરકાર દ્વારા ફરીથી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા પ્રોજેક્ટ સાકાર થવાની આશા જાગી છે. જાેકે, જમીન સંપાદન, વળતર અને અન્ય જરૂરી મંજૂરીઓ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બાંધકામની કામગીરી આગળ વધી શકશે. આ પ્રોજેક્ટથી વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળવાની અપેક્ષા છે.




