
દેશવ્યાપી ગેંગના ૨૨ આરોપીઓ ઝડપાયા વોટ્સએપ પર APK ફાઇલ મોકલી સાઇબર છેતરપિંડી દિલ્હી પોલીસની ચાર રાજ્યોના આઠ જિલ્લામાં ૧૭ સ્થળે એકસાથે કાર્યવાહી; ૬૮ મોબાઇલ ફોન જપ્ત દેશભરમાં વોટ્સએપના માધ્યમથી APK ફાઇલ મોકલી હજારો લોકો સાથે સાઇબર છેતરપિંડી આચરતી ગેંગનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં ૨૨ હજારથી વધુ મોબાઇલ ફોનમાં શંકાસ્પદ APK ફાઇલો મોકલવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે ચાર રાજ્યોના આઠ જિલ્લામાં ૧૭થી વધુ સ્થળોએ દરોડા પાડીને ૨૨થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૬૮ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસના વેસ્ટ જિલ્લા સાઇબર સેલને સાઇબર છેતરપિંડીની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મોટાભાગના કિસ્સાઓમાં ઠગાઈ કરવાની રીત એકસરખી હતી. આરોપીઓ લોકોને વોટ્સએપ મારફતે APK ફાઇલ મોકલતા હતા અને તેને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવા માટે પ્રેરિત કરતા હતા.
એકવાર વ્યક્તિ આ ફાઇલ ઇન્સ્ટોલ કરે ત્યારબાદ એપ વિવિધ પ્રકારની પરવાનગીઓ માગતી હતી. અજાણતા આ પરવાનગીઓ આપવાથી મોબાઇલમાં રહેલી અંગત માહિતી અને સંવેદનશીલ ડેટા જાેખમમાં મુકાતો હતો. આ રીતે સાઇબર ઠગો લોકોની અંગત માહિતીનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરતા હતા.
આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા દિલ્હી પોલીસની આશરે ૬૨ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. ચાર રાજ્યોના આઠ જિલ્લામાં ૧૭થી વધુ સ્થળોએ કાર્યવાહી દરમિયાન ૨૨થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન કેટલાક આરોપીઓએ પોલીસથી બચવા ખેતરોમાં ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, જાેકે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ૬૮ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ઝારખંડના જામતાડાનું નામ આ સાઇબર છેતરપિંડીના મુખ્ય કેન્દ્ર તરીકે સામે આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિત અન્ય વિસ્તારોમાં પણ ગેંગનું નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ નેટવર્ક સાથે જાેડાયેલી આશરે ૨,૦૮૦ ફરિયાદો પોલીસને મળી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ દેશભરમાં ૨૨ હજારથી વધુ મોબાઇલમાં APK ફાઇલો મોકલી લોકોને નિશાન બનાવ્યા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.
APK એ એન્ડ્રોઇડ મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેની ફાઇલ છે. સાઇબર ઠગો આવી શંકાસ્પદ ફાઇલ વોટ્સએપ મારફતે મોકલી લોકોને ઇન્સ્ટોલ કરાવે છે. ત્યારબાદ એપ વિવિધ પરવાનગીઓ માગે છે. વપરાશકર્તા અજાણતા મંજૂરી આપે તો તેના મોબાઇલની ગોપનીય માહિતી જાેખમમાં મુકાઈ શકે છે. આ ઘટનાને પગલે સાઇબર સુરક્ષાને લઈને ફરી એકવાર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે. અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી અને વોટ્સએપ પર મળતી શંકાસ્પદ લિંક કે ફાઇલથી દૂર રહેવું જરૂરી છે.




