
ક્રિસમસ 2026ના દિવસે HBOની નવી ‘Harry Potter’ સિરીઝનું પ્રીમિયર, 2027માં બે નવા પુસ્તકો પણ થશે રિલીઝ
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હેરી પોટરની જાદુઈ દુનિયાનો ક્રેઝ હજુ પણ વિશ્વભરમાં યથાવત્ છે. હવે હેરી પોટરના ચાહકો માટે એક સાથે બે મોટા સમાચાર સામે આવ્યા છે. HBO પોતાની નવી ‘Harry Potter’ રીબૂટ સિરીઝ ક્રિસમસના દિવસે એટલે કે 25 ડિસેમ્બર, 2026ના રોજ રજૂ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ, લેખિકા જે.કે. રોલિંગે હેરી પોટરની દુનિયા સાથે જોડાયેલા બે નવા પુસ્તકોની જાહેરાત કરી છે, જે 23 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રકાશિત થવાના છે.
25 ડિસેમ્બરથી શરૂ થશે હેરી પોટરની નવી સફર
HBOની નવી ‘Harry Potter’ સિરીઝની પ્રથમ સીઝન 25 ડિસેમ્બર, 2026ના રોજ પ્રીમિયર થશે. આ સિરીઝ હેરી પોટરની પ્રથમ નવલકથા ‘Harry Potter and the Philosopher’s Stone’ પર આધારિત હશે.
પ્રથમ સીઝનમાં કુલ આઠ એપિસોડ હશે, જે HBO અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Max પર એકસાથે રજૂ કરવામાં આવશે.
ફિલ્મોની સરખામણીમાં સિરીઝનું ફોર્મેટ લાંબું હોવાથી મૂળ પુસ્તકોમાં દર્શાવવામાં આવેલા કેટલાક એવા પાત્રો અને પ્રસંગોને પણ સ્થાન મળી શકશે, જે અગાઉની ફિલ્મોમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. આ કારણે હેરી પોટરના ચાહકોને વાર્તાની વધુ વિસ્તૃત અને નજીકથી રજૂઆત જોવા મળી શકે છે.
જાણીતી ક્રિએટિવ ટીમ સાથે તૈયાર થઈ રહી છે સિરીઝ
આ નવી સિરીઝ સાથે મનોરંજન જગતની જાણીતી ટીમ જોડાયેલી છે. ‘Succession’ માટે જાણીતી લેખિકા ફ્રાન્સેસ્કા ગાર્ડિનર શોરનર તરીકે જવાબદારી સંભાળી રહી છે, જ્યારે માર્ક માયલોડ અનેક એપિસોડનું દિગ્દર્શન કરશે.
આ ઉપરાંત, ફિલ્મ નિર્માતા ડેવિડ હેમેન અને મૂળ લેખિકા જે.કે. રોલિંગ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર હાન્સ ઝિમર સિરીઝનું સંગીત તૈયાર કરશે.
2027માં બે નવા ‘Pocket Potters’ પુસ્તકો થશે રિલીઝ
હેરી પોટરના ચાહકો માટે બીજો મોટો સમાચાર પુસ્તકોને લઈને છે. બ્લૂમ્સબરી પબ્લિશિંગની ‘Pocket Potters’ શ્રેણી હેઠળ બે નવા પુસ્તકો 23 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રકાશિત થવાના છે.
આ પુસ્તકોમાં હોગવર્ટ્સની લોકપ્રિય પ્રોફેસર મિનર્વા મેકગોનાગલ અને જાણીતા વીઝલી જોડિયા ભાઈઓ ફ્રેડ તથા જ્યોર્જ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બંને પુસ્તકો હાર્ડકવર સ્વરૂપમાં હશે અને દરેકમાં 32 રંગીન પાનાં હશે. તેમાં પાત્રો સાથે જોડાયેલા યાદગાર પ્રસંગો, રસપ્રદ માહિતી, ખાસ વિગતો અને હોગવર્ટ્સની જાદુઈ દુનિયા સાથે જોડાયેલા છુપાયેલા સંદર્ભોનો સમાવેશ કરવામાં આવશે.
નવા અને જૂના બંને વાચકો માટે ખાસ ભેટ
‘Pocket Potters’ શ્રેણીના આ નવા પુસ્તકો હેરી પોટરના જૂના ચાહકો અને નવી પેઢીના વાચકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. પાત્રોની વિશેષતાઓ અને તેમની સાથે જોડાયેલી રસપ્રદ વિગતો દ્વારા વાચકોને જાદુઈ દુનિયાને વધુ નજીકથી જાણવાની તક મળશે.
હેરી પોટરના ચાહકો માટે 2026-27 બનશે ખાસ
એક તરફ HBOની નવી સિરીઝ દ્વારા હેરી પોટરની વાર્તા ફરી એકવાર સ્ક્રીન પર જીવંત બનવાની છે, તો બીજી તરફ નવા પુસ્તકો દ્વારા આ જાદુઈ દુનિયાનો વિસ્તાર થવાનો છે.
ક્રિસમસ 2026ના રોજ સિરીઝના પ્રીમિયર અને ફેબ્રુઆરી 2027માં બે નવા પુસ્તકોના પ્રકાશન સાથે હેરી પોટરના ચાહકો માટે આવનારો સમય ખાસ બની શકે છે.




