
ધમકીભર્યા ઈ-મેઇલમાં IED બ્લાસ્ટનો ઉલ્લેખ દિલજીત દોસાંજના બેંગ્લોર કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી બિનવારસી iPhone થી દૂર રહેવા અને બાળકોને કોન્સર્ટમાં ન લાવવા ચેતવણી; પોલીસે તપાસ શરૂ કરી
જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજના આગામી બેંગ્લોર કોન્સર્ટ પહેલાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ૨૯ નવેમ્બરે બેંગ્લોરના NICE ગ્રાઉન્ડ ખાતે યોજાનારા તેમના લાઇવ કોન્સર્ટને નિશાન બનાવીને અજાણ્યા શખ્સે ધમકીભર્યો ઈ-મેઇલ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઈ-મેઇલમાં IED બોમ્બ બ્લાસ્ટ કરવાની ચેતવણી સાથે આઇફોનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિલજીત દોસાંજ હાલ તેમની ઓરા ઇન્ડિયા ટૂર ૨૦૨૬ અંતર્ગત દેશના વિવિધ શહેરોમાં લાઇવ પરફોર્મન્સ આપી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં કાર્યક્રમો યોજાયા બાદ હવે ૨૯ નવેમ્બરે બેંગ્લોરમાં તેમનો કોન્સર્ટ યોજાવાનો છે. જાેકે, કાર્યક્રમ પહેલાં મળેલી ધમકીને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ધમકીભર્યા ઈ-મેઇલમાં કોન્સર્ટ દરમિયાન IED બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં, કાર્યક્રમમાં બાળકોને સાથે ન લાવવા અને જાે કોઈ સ્થળે બિનવારસી આઇફોન જાેવા મળે તો તેને હાથ ન લગાવવા પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધમકી આપનારે તે દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરી નહીં કરવાની ચેતવણી પણ આપી છે.
ઈ-મેઇલના અંતમાં ઝિંદાબાદ લખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જાેકે, ધમકીની વિશ્વસનીયતા અને તેની પાછળ કોણ છે તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ઈ-મેઇલ કયા IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ છે તે શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. કોન્સર્ટ સ્થળ અને સંભવિત સુરક્ષા જાેખમોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંજના કોન્સર્ટને અગાઉ પણ ધમકીઓ મળી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેમની ઇન્ડિયા ટૂર દરમિયાન વિવિધ શહેરોમાં યોજાનારા કાર્યક્રમો પહેલાં આવી ચેતવણીઓ મળતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.
હાલમાં બેંગ્લોર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ૨૯ નવેમ્બરના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ ધમકી પાછળના શખ્સો અને તેના હેતુ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.




