International News: ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણના ભૂગર્ભ વેરહાઉસમાં સોમવારથી ફસાયેલા તમામ સાત ખાણિયાઓના મોત થયા છે. 5 દિવસથી ખાણમાં ફસાયેલા કામદારોને ચીની પ્રશાસન દ્વારા સમયસર મદદ ન મળવાને કારણે એકપણ કામદારને બચાવી શકાયો નથી. હવે આ તમામના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે આની પુષ્ટિ કરી હતી. કોલસાની ખાણના માલિક ગાઓ નાયચુને જણાવ્યું હતું કે સોમવારે મધ્યરાત્રિએ, જ્યારે ખાણકામદારો કોલસાના ફીડરનું સમારકામ કરી રહ્યા હતા, ત્યારે વેરહાઉસમાં કોલસાનો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં સાત લોકો દટાયા હતા.
કાઉન્ટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર…
કાઉન્ટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, Zhongyang કાઉન્ટીમાં સ્થિત Taoyuan Xinlong કોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનની કોલસાની ખાણમાં બચાવ કામગીરી દરમિયાન શુક્રવારે છેલ્લો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી હતી.
ગાઓએ જણાવ્યું હતું કે કોલસાની ખાણમાં કોલસાના ભંગાણથી પાણીની પાઈપો તૂટી ગઈ હતી, જેના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા અને બચાવ કામગીરી દરમિયાન મુશ્કેલી ઊભી થઈ હતી.
ચીનની કોલસાની ખાણોમાં કામદારોના મોત સામાન્ય છે.
સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં સમગ્ર વર્ષ દરમિયાન ઉર્જાની ભારે માંગ રહે છે. કોલસાની ખાણમાં અકસ્માતો સામાન્ય છે અને મોટી સંખ્યામાં ખાણિયાઓ ઘાયલ થાય છે, કારણ કે તેઓ મોટાભાગે નબળી સલામતી સ્થિતિમાં કામ કરે છે. ચીન કામદારોને થોડા રૂપિયા માટે કામ કરવા દબાણ કરે છે અને સલામતીના ધોરણો પણ પૂરા થતા નથી.