Gujarat News: ગાંધીનગરના રાયસણમાં આવેલ PDPU ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેણે બે દિવસ પહેલા વહેલી સવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને તેના રુમમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં તેણે માનસીક તણાવના કારણે આ પગલું ભરી રહી છે તેવો ઉલ્લેખ કર્યો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
આ ઘટના સમયે હોસ્ટેલમાં અન્ય કોઇ હાજર ન હોવાને કારણે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર વિદ્યાર્થીનીનું નામ પાયલ ભગવાનભાઇ ગુપ્તે છે. તે મુળ મહારાષ્ટ્રના ઓરંગાબાદની રહેવાસી છે.
તે PDPUમાં બી.ટેકમાં અભ્યાસ કરતી હતી. 20 વર્ષીય પાયલનો મૃતદેહ ધુળેટીના દિવસે વહેલી સવારે ગર્લ્સ હોસ્ટેલના પરિસરમાંથી મળી આવ્યો હતો. હોસ્ટેલનો સિક્યુરિટી ગાર્ડ ચક્કર મારવા માટે નિકળ્યો ત્યારે તેને પાયલના મૃતદેહને જોયો હતો.
રુમ માંથી નોટ મળી આવી
આ મામલે હોસ્ટેલના સ્ટાફ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પાયલે હોસ્ટેલના ટેરેસ પરથી કુદીને આપઘાત કર્યો હોવાની શક્યતા છે. ધુળેટીની રજાઓ હોવાથી હોસ્ટેલમાં મોટાભાગની વિદ્યાર્થીઓ ઘરે જતી રહી હતી. પાયલે છેલ્લે તેના માતા-પિતા સાથે ફોન પર વાત કરી હતી હોવાનું જણાય છે. પોલીસે તેનો મોબાઇલ જપ્ત કર્યો છે. તે અન્ય વિદ્યાર્થીની સાથે હોસ્ટેલના રુમમાં રહેતી હતી. પોલીસને તેના રુમમાંથી એક નોટબુક મળી આવી છે.