Gujarat Police : પોલીસે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાંથી 50 વર્ષીય મિથલેશીયા ઉત્તમ પટેલની ધરપકડ કરી હતી, જે હત્યાના કેસમાં 26 વર્ષથી વોન્ટેડ છે. રાજકોટના જેતપુરમાં ટાઇલ્સ ફેક્ટરીના ચોકીદારની વર્ષ 1999માં હત્યા કરવામાં આવી હતી, આ કેસમાં મિથલેશીયા પટેલને આરોપી બનાવવામાં આવ્યો હતો. ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી હતી.
શું છે સમગ્ર મામલો?
મિથલેશીયા પટેલ તેના ત્રણ મિત્રો સાથે ફેક્ટરીમાંથી ચોરી કરતા ઝડપાયા હતા. જ્યારે ચોકીદારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ ચોકીદારના માથા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. જેના કારણે ચોકીદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું.
પોલીસ ઈન્સ્પેક્ટર આરએસ સુવેરાએ જણાવ્યું કે હત્યા કેસમાં વોન્ટેડ વ્યક્તિ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના રૂકમા ખુર્દ ગામમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આરોપી રીઢો ગુનેગાર હતો, તેથી પોલીસે છટકું ગોઠવીને તેના વિશે માહિતી મેળવી અને પછી દરોડો પાડીને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેને પકડી પાડ્યો. છેલ્લા 26 વર્ષથી આરોપી ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં છુપાયો હતો.