
LPGમાં થી ગેસ કાઢી નાના બાટલામાં ભરતો.બાવળામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું.પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં ગેસના સિલિન્ડર તેમજ રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે.અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એલપીજી (LPG) ગેસનું રિફિલિંગ કરીને ઊંચા ભાવે વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાવળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં ગેસના સિલિન્ડર તેમજ રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાવળા પોલીસે રજાેડા ગામની મોડલ સ્કૂલની પાછળના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે દિલીપસિંહ વિક્રમસિંહ વાઘેલા (રહે. રજાેડા, વાઘેલાફળી, તા. બાવળા) નામનો આરોપી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો.આરોપી દિલીપસિંહ વાઘેલા ઘરગથ્થુ વપરાશ માટેના મોટા એલપીજી સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને તેને નાના બાટલાઓમાં રિફિલ કરતો હતો. મુખ્યત્વે, બહારથી આવતા મજૂરોને તે આ નાના બાટલાઓનું રિફિલિંગ કરી આપતો હતો અને પછી આ ભરેલા ગેસના બાટલા ગ્રાહકોને ઊંચા ભાવે વેચાણ કરતો હતો.પોલીસે સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રિફિલિંગ થતું જાેયું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ માટે મામલતદાર (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) ના અધિકારીઓને પણ સ્થળ પર પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા.પરીક્ષણ દરમિયાન પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાતા બાવળા પોલીસે આરોપી દિલીપસિંહ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) કલમ-૨૮૮ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૩, ૭ મુજબનો ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપીના કબજામાંથી અલગ અલગ એજન્સીની ગેસની નાની-મોટી કુલ ૭૯ બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત, ગેસ રિફિલિંગની નોઝલ, પાઇપ, ગેસના બાટલાની ઉપર લગાવવામાં આવતી કોક્ટોક (સગડી), ગેસના પ્રેશર વાલ્વ અને રેગ્યુલેટર વગેરે સહિત કુલ ૪૭,૯૩૦/- (સતતાલીસ હજાર નવસો ત્રીસ) નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી દિલીપસિંહ વાઘેલાની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ગેસ સિલિન્ડરના કાળાબજાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય.
