Pakistan: પાકિસ્તાનમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માત પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક થયો હતો. યાત્રાળુઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 38 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકોની મદદ પણ લીધી હતી. અકસ્માત અંગેની માહિતી પોલીસે ગુરુવારે આપી હતી.
તમામ મુસાફરો સિંધ પ્રાંતના રહેવાસી હતા.
અહેવાલો અનુસાર, તીર્થયાત્રીઓ બલૂચિસ્તાનના ખુઝદાર જિલ્લામાં દૂરસ્થ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા ત્યારે બુધવારે હબ શહેરમાં તેમની બસ ખાઈમાં પડી ગઈ હતી. જ્યાં અકસ્માત થયો તે સ્થળ કરાચીથી લગભગ 100 કિલોમીટર દૂર છે.
ગૃહમંત્રી મોહસિન નકવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે એવું લાગે છે કે એક વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે બસ ખાઈમાં પડી હતી. તમામ મુસાફરો સિંધ પ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા.
મૃતદેહોની ઓળખ કરી
મોહસીન નકવીએ કહ્યું, “વાહન બુધવારે બપોરે 2 વાગ્યે થટ્ટાથી નીકળ્યું હતું અને બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો.” હબના એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોને કરાચી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક એક જ પરિવારના હતા. પાકિસ્તાનમાં ખરાબ રસ્તાઓ, સલામતીની જાગૃતિનો અભાવ અને ટ્રાફિક નિયમોની અજ્ઞાનતા ઘણીવાર જીવલેણ અકસ્માતો તરફ દોરી જાય છે.