
દિવાળી બાદ ‘અગ્નિપરીક્ષા’ ચોમાસું તો વિદાય લઈ ગયું પણ ગુજરાતના ૭૮ ડેમમાં ફક્ત ૨૫%થી પણ ઓછું પાણી રાજ્યમાં આ વર્ષે સરેરાશના ૮૯.૧૯ ટકા વરસાદ નોંધાયો છે, તેમ છતાં ડેમોમાં પાણીનો સંગ્રહ ૭૦ ટકા સુધી પણ પહોંચી શક્યો નથી
ગુજરાતમાં ચાલુ વર્ષે નબળું ચોમાસું વિધિવત વિદાય લઈ ગયું છે અને હવે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી, ત્યારે રાજ્ય પર જળસંકટની ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કારણ કે, રાજ્યના અનેક ડેમમાં પૂરતું પાણી આવ્યું નથી. અત્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ ડેમમાં કુલ ક્ષમતાના ૬૯.૫૬ ટકા પાણી જ ઉપલબ્ધ છે. આ પૈકી ફક્ત ૨૩ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે ૭૮ ડેમ એવા છે જેમાં ૨૫ ટકા પણ પાણી નથી. આવી સ્થિતિમાં દિવાળી બાદ જળ વ્યવસ્થાપનમાં સરકારી તંત્રની ખરી અગ્નિપરીક્ષા થશે.રાજ્યમાં આ વર્ષે સરેરાશના ૮૯.૧૯ ટકા વરસાદ નોંધાયો છે, તેમ છતાં ડેમોમાં પાણીનો સંગ્રહ ૭૦ ટકા સુધી પણ પહોંચી શક્યો નથી. આ સ્થિતિને કારણે આગામી ઉનાળામાં પીવાના પાણી અને ખેતી માટે પાણીની વ્યવસ્થા કેવી રહેશે તે એક મોટો અને મહત્ત્વનો સવાલ બની ગયો છે. રાજ્યના મુખ્ય જળાશયોની પરિસ્થિતિ પર નજર કરીએ તો સીપુ ડેમમાં માત્ર ૪.૧૧ ટકા, ઉન્ડ-૧માં ૧૩.૮૦ ટકા, ભાદરમાં ૧૯.૪૫ ટકા અને દાંતીવાડા ડેમમાં ૨૩.૮૦ ટકા પાણી જ બચ્યું છે. બીજી તરફ, ધરોઈ ડેમમાં ૫૨.૨૨ ટકા અને મચ્છુ-૧ ડેમમાં ૬૦.૧૦ ટકા પાણીનો સંગ્રહ છે.અન્ય નાના-મોટા ડેમોની સરખામણીએ સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ ઘણી સારી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તેમાં ૩,૩૪,૦૮૦ એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે આવનારા સમયમાં રાજ્ય માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.રાજ્યમાં વરસાદની સ્થિતિ પણ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ જાેવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ ૧૧૪.૨૩ ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૯.૬૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૭૧.૦૪ ટકા વરસાદ થયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં ૭૧.૪૩ ટકા અને કચ્છમાં માત્ર ૫૭.૬૦ ટકા જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં ખાસ કરીને ધીમીધારે વરસાદ થયો હોવાથી જળાશયો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શક્યું નથી.




