T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે રમાશે, જેમાં આ વખતે કુલ 20 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માટે તમામ ટીમોએ 1 મે સુધીમાં પોતાની ટીમની જાહેરાત કરવાની રહેશે. આ પણ શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024માં એક ઘાતક બોલર રમતા જોવા મળી શકે છે. આ ખેલાડી ઈજાના કારણે છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.
આ બોલર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરશે
T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, જે લાંબા સમયથી ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વિશે છે. અવારનવાર ઇજાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી મોટી શ્રેણી અને ટૂર્નામેન્ટમાં રમી ન શકનાર આર્ચર ટી-20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં પરત ફરતો જોવા મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોફ્રા આર્ચરને T20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે માર્ચમાં રમાઈ હતી
તમને જણાવી દઈએ કે જોફ્રા છેલ્લે ગત વર્ષે માર્ચમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ માટે રમ્યા હતા, ત્યારબાદ તે મેદાન પર પરત ફરી શક્યા નથી. કોણીની ઈજાને કારણે તે બહાર છે. આર્ચરને 2023 વર્લ્ડ કપ માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે આ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો નહોતો.
જોફ્રા આર્ચરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 21 વનડે અને 15 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 42 વિકેટ, વનડેમાં 42 વિકેટ અને T20માં 18 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે T20માં તેનો ઈકોનોમી રેટ માત્ર 7.65 છે, જે ઘણો સારો છે. જ્યારે ODIમાં તેનો ઈકોનોમી રેટ માત્ર 4.80 છે. બીજી તરફ તેનો ઝડપી બોલ રમવો પણ બેટ્સમેનો માટે સરળ નથી.