Vadodara Lok Sabha : ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક કબજે કરી લીધી છે. વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યાં છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વડોદરા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે.
ભાજપના યુવા નેતાએ કર્યો કમાલ
વડોદરા લોકસભા સીટ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પરથી 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી. ત્યારે 2024ની ચૂંટણીમાં 33 વર્ષીય ડો. હેમાંગ જોષીએ જીત મેળવી છે. ભાજપનો મુકાબલો કોંગ્રેસ નેતા જશપાલસિંહ પઢિયાર સામે હતો. પરંતુ ભાજપે આ સીટ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. નોંધનીય છે કે 1989થી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક જીતતી રહી છે.
1989થી ભાજપનો ગઢ રહી છે વડોદરા લોકસભા બેઠક
ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેર વડોદરાના રાજકારણમાં છેલ્લા કેટલાક દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. આઝાદી બાદ વર્ષો સુધી આ બેઠક રાજવી પરિવારના ખાતામાં રહી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત તો રણજીતસિંહ ગાયકવાડ બે વખત આ સીટથી સાંસદ રહ્યાં હતા. પરંતુ 1989થી ભાજપે વડોદરાને પોતાનો ગઢ બનાવ્યો છે.
ભાજપે વર્તમાન સાંસદની ટિકિટ કાપી હતી
ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં વડોદરા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ ત્યારબાદ તેમનો વિરોધ પણ થયો હતો. અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ પર ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપે યુવા નેતા ડો. હેમાંગ જોષીને મેદાનમાં ઉતાર્યા હતા.
2019 માં રંજનબેન ભટ્ટ 5,89,177 ની લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને 8,83,719 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલને 2,94,542 મત મળ્યા હતા. એટલે કે કુલ વોટના 72% મત ભાજપને મળ્યા અને 24.07% વોટ કોંગ્રેસને મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 5,89,177 મતોની લીડથી જીત્યા હતા.
વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી ભાજપના બાલકૃષ્ણ શુક્લા જીત્યા હતા. ત્યારે તેમને 57.40 ટકા મત મળ્યા હતા. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આ સીટ પરથી ઝંડલાવ્યું હતું. પીએમ મોદી મોટી લીડથી અહીંથી ચૂંટણી જીત્યા હતા. નરેન્દ્ર મોદીને 72.79 ટકા મત મળ્યા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ આ સીટ છોડી દીધી હતી. ત્યારબાદ ત્યાં યોજાયેલી પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટ જીત્યા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને 8.83 લાખ કરતા વધુ મત મળ્યા હતા.