Export : વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, મે 2024માં ભારતમાંથી માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને $38.13 બિલિયન સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશમાંથી $34.95 બિલિયનના માલની નિકાસ કરવામાં આવી હતી. વેપાર ખાધ પણ ગયા મહિને વધીને $23.78 બિલિયનની સાત મહિનાની ટોચે પહોંચી હતી. અગાઉ ઓક્ટોબર 2023માં સૌથી વધુ 31.46 અબજ ડોલરની વેપાર ખાધ હતી.
શુક્રવારે જાહેર કરાયેલા વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ક્રૂડ ઓઈલની ખરીદીમાં વધારો થવાને કારણે મે મહિનામાં આયાત પણ 7.7 ટકા વધીને $61.91 અબજ થઈ છે. મે 2023માં $57.48 બિલિયનની આયાત કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક જેવા ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે નિકાસમાં વધારો નોંધવામાં આવ્યો છે.અગાઉ એપ્રિલ, 2024માં દેશની નિકાસ ઘટીને $41.68 બિલિયન થઈ ગઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં એટલે કે એપ્રિલ-મેમાં નિકાસ 5.1 ટકા વધીને $73.12 બિલિયન પર પહોંચી ગઈ છે. આયાત પણ 8.89 ટકા વધીને $116 બિલિયન પર પહોંચી છે.
જેમ-જ્વેલરીની નિકાસમાં 4.97 ટકાનો ઘટાડો
મે મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 4.97 ટકા ઘટીને રૂ. 20,713.37 કરોડ થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા અનુસાર, સોનાની જ્વેલરીની નિકાસ 13.1 ટકા વધીને રૂ. 5,507.71 કરોડ થઈ છે. સિલ્વર જ્વેલરીની નિકાસ પણ વધીને રૂ. 1,103.72 કરોડ થઈ છે.જોકે, કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ રૂ. 14,190.28 કરોડથી ઘટીને રૂ. 12,270.54 કરોડ થઈ હતી.
વૃદ્ધિ આગળ પણ ચાલુ રહેશે: વાણિજ્ય સચિવ
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે, નિકાસની દૃષ્ટિએ મે મહિનો ઉત્તમ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, ઉન્નત અર્થવ્યવસ્થાઓમાં ફુગાવો ઘટી રહ્યો છે. આનાથી ખરીદ શક્તિ વધારવામાં મદદ મળશે, જે આયાતની માંગમાં વધારો કરશે.
સેવાઓની નિકાસમાં પણ વધારો થયો છે
મે મહિનામાં સેવાઓની નિકાસ વાર્ષિક ધોરણે 11.74 ટકા વધીને $30.16 અબજ સુધી પહોંચી છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો $26.99 બિલિયન હતો. સેવાઓની આયાત પણ 8.81 ટકા વધીને 17.28 અબજ ડોલરે પહોંચી છે.
ક્રૂડની આયાતમાં 28%નો વધારો
મે મહિનામાં ક્રૂડ ઓઈલની આયાત 28 ટકા વધીને 20 અબજ ડોલર થઈ ગઈ છે. આ રીતે, 2024-25ના પ્રથમ બે મહિનામાં ક્રૂડની આયાત 24.4 ટકા વધીને $36.4 બિલિયન થઈ ગઈ છે. જોકે, સોનાની આયાત ઘટીને $3.33 બિલિયન રહી હતી.
આ દેશોમાં મહત્તમ નિકાસ કરવામાં આવી હતી
જે પાંચ દેશોમાં ભારતે સૌથી વધુ નિકાસ કરી છે તેમાં અમેરિકા, નેધરલેન્ડ, યુએઈ, મલેશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.