T20 World Cup 2024: દક્ષિણ આફ્રિકાની ટીમે નેપાળની ટીમને એક રનથી હરાવ્યું છે. નેપાળના કેપ્ટન રોહિત પૌડેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નેપાળને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નેપાળને છેલ્લી ઓવરમાં જીતવા માટે 8 રનની જરૂર હતી ત્યારે નેપાળની ટીમ માત્ર 6 રન બનાવી શકી હતી. નેપાળનો ખેલાડી ગુલશન ઝા છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી હતી. મેચ હાર્યા બાદ નેપાળની ટીમ T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી
દક્ષિણ આફ્રિકા સામે નેપાળની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે કુશલ ભુર્તેલ માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન રોહિત પૌડેલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પરંતુ ત્યારબાદ આસિફ શેખ અને અનિલ કુમારે સારી બેટિંગ કરી હતી. બંનેએ થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. અનિલ કુમાર 27 રન બનાવીને એડન મેકક્રમનો શિકાર બન્યો હતો. આસિફ શેખે 42 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે તબરેઝ શમ્સીના બોલ પર આઉટ થયો હતો. દીપેન્દ્ર સિંહ એરીએ 6 રન બનાવ્યા હતા. સોમપાલ કામીએ 4 બોલમાં 8 રન બનાવ્યા હતા. નેપાળની ટીમને છેલ્લા બોલ પર જીતવા માટે 2 રનની જરૂર હતી. ત્યારબાદ ગુલશન ઝા રનઆઉટ થયો હતો.
નેપાળ તરફથી કુશલ ભુર્તેલે ચાર વિકેટ ઝડપી હતી
રીઝા હેન્ડ્રિક્સ સિવાય કોઈ ખેલાડી સાઉથ આફ્રિકા માટે જોરદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે મેચમાં 49 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 27 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો વધુ યોગદાન આપી શક્યા ન હતા. કેપ્ટન એડન મેકક્રામ 15 રન બનાવીને આઉટ થયો હતો, ક્વિન્ટન ડી કોક 10 રન બનાવીને આઉટ થયો હતો અને ડેવિડ મિલર 7 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી કુશલ ભર્તેલે અદ્દભૂત બોલિંગ કરી હતી. તેણે મેચમાં 4 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપેન્દ્ર સિંહ એરીએ 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ બંને બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા ન હતા.
નેપાળની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર
દક્ષિણ આફ્રિકા સામેની મેચ હાર્યા બાદ નેપાળની ટીમ T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે જેમાંથી ટીમને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની એક મેચ રદ કરવામાં આવી હતી. હવે નેપાળની ટીમ 16 જૂને બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે.