Russia Ukraine War : યુક્રેને રશિયામાં ડ્રોન હુમલો કર્યો છે જેમાં 5 લોકોના મોતના અહેવાલ છે. રશિયન સ્થાનિક અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દેશના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ, યુક્રેનના શહેર ડીનિપ્રોમાં, બચાવકર્મીઓ રશિયન હુમલામાં ધ્વસ્ત થયેલી 9 માળની રહેણાંક ઇમારતનો કાટમાળ હટાવતા જોવા મળ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગવર્નર એલેક્સી સ્મિર્નોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સરહદ પર ગોરોદિશે ગામમાં યુક્રેનિયન હુમલાના પીડિતોમાં બે બાળકોનો સમાવેશ થાય છે.
રશિયા યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે
પ્રાદેશિક વડા સેરહી લિસાકે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે ડીનીપ્રોમાં રશિયન હુમલામાં એક બિલ્ડિંગના ઉપરના ચાર માળનો નાશ થતાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 7 મહિનાની બાળકી સહિત 12 લોકો ઘાયલ થયા હતા.
લિસાકે જણાવ્યું હતું કે રશિયાએ 1,000-કિલોમીટર (600-માઇલ) ફ્રન્ટ સાથે કેટલાક વિસ્તારોમાં તેના સૈનિકોને તૈનાત કરવાનું ચાલુ રાખ્યું ત્યારે હુમલા થયા. મોસ્કોએ યુક્રેનના સંસાધનોને નષ્ટ કરવા માટે હવાઈ હુમલામાં વધારો કર્યો છે, ઘણી વખત ઊર્જા ઉત્પાદન કેન્દ્રો અને અન્ય નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે.
‘અમે રાતોરાત 10 રશિયન ડ્રોન તોડી પાડ્યા’
દરમિયાન, યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન હુમલાઓને કારણે દેશે તેની થર્મલ ઉર્જા સંભવિતતાના લગભગ 80 ટકા અને તેની હાઇડ્રોઇલેક્ટ્રિક ક્ષમતાનો ત્રીજો ભાગ ગુમાવી દીધો છે. ડીનીપ્રોમાં હુમલાની ચર્ચા કરતા, ઝેલેન્સકીએ કહ્યું કે તે યુક્રેનના સહયોગી દેશો માટે ચેતવણી છે કે દેશને વધુ એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે. યુક્રેનિયન એરફોર્સે શનિવારે જણાવ્યું હતું કે તેણે રાતોરાત 10 રશિયન ડ્રોન તોડી પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે મહિનાઓથી ચાલી રહેલી આ લડાઈમાં બંને પક્ષોને ઘણું નુકસાન થયું છે પરંતુ યુક્રેનની હાલત ખરાબ થઈ ગઈ છે.