
શહેરમાં T20 WC ફાઈનલ મેચની અસર અમદાવાદ: હોટલોના ભાડા સાતમા આસમાને પહોંચ્યા અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે : ફાઈનલ મેચને લઈને ઉત્સાહનો માહોલ
ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળશે. આ મેચને લઈને અમદાવાદ શહેરમાં અલગ જ માહોલ જામ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોથી અને વિદેશથી પણ લોકો મેચ જાેવા માટે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનું આગમન અમદાવાદમાં થઈ ગયું છે જે સિંધુ ભવન પર આવેલ તાજ હોટલમાં રોકાશે અને ન્યૂઝીલેન્ડની ટીમ વસ્ત્રાપુરની આઈટીસી નર્મદા હોટલમાં રોકાવાની છે.
જાેકે આ બધા વચ્ચે હાલ અમદાવાદની હોટલોના ભાડાને જાણીને તમે નવાઈ પામી જશો. બહારથી આવી રહેલા લોકો અમદાવાદની હોટલોમાં રોકાશે તે વાત સામાન્ય છે. જેથી લોકોના આગમનની સાથે શહેરની હોટલોના રૂમના ભાડા પણ વધી ગયા છે. શહેરમાં આવેલ હોટલોમાં ૧૫ હજારથી ૮૯ હજાર સુધી પહોંચ્યા છે. લોકો જેમ બને તેમ બધી હોટલોના રૂમ બુક કરાવી રહ્યા છે. આવતીકાલ સુધીમાં હોટલોના રૂમ બુક થઈ જશે અને ભાડા વધી પણ શકે છે. અમદાવાદની હોટલોમાં એવરેજ ૧૦ હજાર જેટલા રૂમ છે. જેના ભાડા સામાન્ય દિવસોમાં ૫ થી ૧૫ હજાર સુધી હોય છે. ફાઈનલ મેચને લઈને ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો થયો છે. એરફેરમાં સામાન્ય દિવસ કરતા ૪ થી ૫ ગણો વધારો નોંધાયો છે.
મુંબઈ અમદાવાદ વન વે ફેર ૧૭ હજાર અને રિટર્નના ભાવ ૧૨ હજાર
દિલ્હી અમદાવાદ વન વે ફેર ૧૩ હજાર અને રિટર્ન ૧૪ હજાર
ચેન્નઈ-અમદાવાદ વન વે એર ફેર ૬ હજારથી ૧૭ હજાર થયું
કોલકાતા-અમદાવાદનું એર ફેર ૫ હજારથી વધીને ૧૫ હજાર
આ સિવાય બિઝનેસ ક્લાસમાં તો ટિકિટના ભાવ ૩૫થી ૪૦ હજાર સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓ હોવાથી એરફેર નીચા હોય છે. મુંબઈથી અમદાવાદની વાત કરીએ તો માર્ચમાં સામાન્ય દર ૨૫૦૦થી ૩ હજાર રૂપિયા સુધીનો હોય છે. પરંતુ આ વખતે ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચને કારણે ફ્લાઈટના ભાવ પણ સાતમા આસમાને પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચ્યા બાદ દેશભરમાં ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. જેની અસર અમદાવાદમાં દેખાઈ રહી છે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. શનિવારે બંને ટીમો નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે સાથે જ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે.




