
રસિક સલામની જ્વલંત બોલિંગ, અભિષેક શર્માની તોફાની બેટિંગ બાદ ભારતીય A ટીમે UAEને 7 વિકેટે હરાવ્યું. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો આ સતત બીજો વિજય છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
UAEએ 107 રન બનાવ્યા હતા
અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર UAEની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બાસિલ હમીદનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને આખી ટીમ 107 રનમાં સમેટાઈ ગઈ. રાહુલ ચોપરાએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન બાસિલ હમીદે 12 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી.
રસિક દારે 3 વિકેટ લીધી હતી
ભારત તરફથી રસિક દારે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેણે માત્ર એક જ ઓવરમાં ત્રણેય વિકેટ ઝડપી હતી. રસિક દારે 2 ઓવર નાખી અને 15 રન આપ્યા. તેના સિવાય રમનદીપ સિંહને 2 સફળતા મળી. અંશુલ કંબોજ, વૈભવ અરોરા, અભિષેક શર્મા અને નેહલ વાઢેરાએ પણ 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ 55 બોલ બાકી રહેતા જીતી ગઈ
જવાબમાં ભારતીય ટીમે 10.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. ઓમિદ રહેમાને પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર પ્રભસિમરન સિંહને બોલ્ડ કર્યો હતો. સિંઘે 6 બોલમાં 8 રન બનાવ્યા હતા.
શર્મા-તિલકે 73 રન ઉમેર્યા હતા
આ પછી અભિષેક શર્માએ કેપ્ટન તિલક વર્મા સાથે મળીને બીજી વિકેટ માટે 73 રન જોડ્યા. વિષ્ણુ સુકુમારને 8મી ઓવરમાં આ ભાગીદારી તોડી હતી. તેણે ઓવરના બીજા બોલ પર તિલક વર્માને બોલ્ડ કર્યો હતો. તિલકે 18 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
શર્માએ અડધી સદી ફટકારી હતી
તોફાની બેટિંગ કરી રહેલો અભિષેક શર્મા 9મી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 241.67ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા. આ દરમિયાન શર્માના બેટમાંથી 5 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. નેહલ વાઢેરા 6 રન બનાવીને અણનમ રહ્યો હતો અને આયુષ બદોની 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓમિદ રહેમાન, મુહમ્મદ ફારૂક અને વિષ્ણુ સુકુમારને 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો – પુણે ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, સંપૂર્ણ રીતે છે ફિટ ઋષભ પંત
