મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને રમતગમત સંકુલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટ્સ તેમના અંતિમ તબક્કામાં છે અને ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
વડનગર શહેર, જે 2500 વર્ષથી વધુ સમયથી સતત વસવાટ કરી રહ્યું છે, તે સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. મુખ્ય વેપાર માર્ગ પર સ્થિત હોવાથી, વડનગર હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો અમૂલ્ય ખજાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે અને આ ઐતિહાસિક નગરમાં મૂળભૂત અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT ગાંધીનગર અને IIT રૂરકી દ્વારા વડનગર પર વ્યાપક બહુ-શાખાકીય સંશોધન શરૂ કરવામાં આવ્યું છે.
શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ
પ્રવાસીઓ સરળતાથી વડનગર પહોંચી શકે તે માટે નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગર રેલ્વે સ્ટેશન વિકસાવવામાં આવ્યું હતું. વડનગરના આશરે ૪૫૦૦ વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. તળાવમાં બોટિંગની સુવિધા પણ વિકસાવવામાં આવી છે અને એક ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.
પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય
વડનગરમાં નવનિર્મિત પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય છે, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ સંગ્રહાલય છે. તે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ. ૨૯૮ કરોડના ખર્ચે બનેલ આ ચાર માળનું સંગ્રહાલય લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સંગ્રહાલયમાં 9 ગેલેરીઓ પણ છે જે પ્રદેશની કલા, હસ્તકલા અને ભાષા દર્શાવે છે.
‘પ્રેરણા કોમ્પ્લેક્સ’ 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ તેમનું પ્રાથમિક શિક્ષણ ૧૮૮૮માં સ્થપાયેલી આ શાળામાં મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસાવી છે, જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સમન્વય છે.