IPL 2025 મેગા ઓક્શન પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સે KL રાહુલને રિલીઝ કર્યો હતો. જ્યારે મેગા ઓક્શન આવ્યું ત્યારે ઘણી ટીમો એવી હતી કે જેને વિકેટકીપરની સાથે સાથે કેપ્ટન્સી સંભાળી શકે તેવા ખેલાડીની પણ જરૂર હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેના પર બોલી લગાવી, પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે તેને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. એવી અટકળો ચાલી રહી હતી કે રાહુલ કેપ્ટન બની શકે છે, પરંતુ હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે અક્ષર પટેલને દિલ્હીની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે.
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની કપ્તાની અક્ષર પટેલને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની ટીમે કેએલ રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા સિનિયર ખેલાડીઓને ખરીદ્યા હતા. આ બંને અગાઉ દિલ્હીની ટીમ માટે રમી ચૂક્યા છે, છતાં ફ્રેન્ચાઇઝી અક્ષર પટેલ પર વિશ્વાસ મૂકી શકે છે જે 2019 થી ડીસી માટે રમી રહ્યા છે.
દિલ્હી ટીમના માલિકે પણ આપ્યો એક સંકેત
થોડા સમય પહેલા, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક પાર્થ જિંદાલે મોટો સંકેત આપ્યો હતો કે IPL 2025માં અક્ષર પટેલ દિલ્હીનો કેપ્ટન બની શકે છે. તેણે કહ્યું કે ગત સિઝનમાં પણ અક્ષર દિલ્હી ટીમનો વાઇસ કેપ્ટન હતો, જ્યારે હવે તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવે તે સંપૂર્ણ રીતે શક્ય છે. પરંતુ તેણે એમ પણ કહ્યું કે સિઝનની શરૂઆતના ઘણા મહિના પહેલા કેપ્ટન વિશે સ્પષ્ટ કંઈ કહી શકાય નહીં.
આ દિવસોમાં, અક્ષર પટેલનું નામ પણ હેડલાઇન્સમાં છે કારણ કે તેને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 શ્રેણી માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે.