
ભારતના વડાપ્રધાન શ્રી અમદાવાદની મુલાકાતે પધારનાર હોવાથી શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું બહાર પડાયું
ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નાઓ તા.૨૫,૨૬/૦૮/૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોય આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવશ્રી નાઓની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
આથી હું જી.એસ.મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી/૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામાં નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આ નીચે જણાવેલ સમયે મહાનુભાવશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરૂ છુ. જે દરમ્યાનમાં રીમોટ કેન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવું છું.
અપવાદ
પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામાં માંથી મુક્તિ આપુ છું.
વિસ્તાર
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.
આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૫ ના કલાક ૧૪/૦૦ થી તા.૨૬/૦૮/૨૫ કલાક ૧૭/૦૦ સુધી અમલમાં રહેશે.
શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેર વિજ્ઞાપન
હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત નિર્દેશ કરેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડી, અમદાવાદ શહેર પોલીસના તમામ Social media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધી કરાવવી. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ. સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
