
વડોદરા શહેરના મધ્યમાં આવેલું એક મંદિર તેના ૨૨૫થી વધુ ઇતિહાસ અને ભવ્ય ભૂતકાળનું સાક્ષી છે. આ મંદિર પ્રકૃતિની ઉપાસનાની શીખ આપે છે. ગાયકવાડ રાજ્યના ક્ષેત્રમાં મંદિરોના સ્થાપત્યો જોવામાં આવે તો તેમાં મહદ્દઅંશે શિવાલયો વિશેષ જોવા મળે છે. આ ઉપરાંત દેવીઓ, ગણપતિ દાદાના મંદિરોનો પણ આગવો ઇતિહાસ છે. તેવા સમયે શહેરના મધ્યે રાવપુરામાં આવેલું ભગવાન શ્રી સૂર્યનારાયણનું મંદિર સહજ આશ્ચર્ય ઉપજાવે છે. ઊર્જાના અસીમ સ્ત્રોત એવા સૂરજ દાદાના આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો વડોદરા રાજ્ય ઉપર એ સમયે આનંદ રાવ ગાયકવાડનું શાસન હતું. તેમના દિવાન તરીકે રાવજી આપાજી હતા.
રાવજી આપાજીનો કાર્યકાળ ૧૭૯૩થી ૧૮૦૨ સુધીનો રહ્યો હતો. એ સમય દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું. એટલે મંદિર ૨૨૫ વર્ષ કરતા પણ જૂનું હોવાનું કહી શકાય. હાલનું રાવપુરા એ વખતે સદાશિવ પેઠ વિસ્તાર તરીકે ઓળખાતો હતો. હાલની કોઠી કચેરી બંધાઇ નહોતી. દિવાન પણ આ વિસ્તારમાં રહેતા હોવાથી બાદમાં રાવપુરા તરીકે સ્થાપિત થયો હતો. તેઓ એક વખત કાશીની યાત્રાએ ગયા. જ્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર એમનો મેળાપ એક પંડિતપુત્રી સાથે થયો. ઉપપત્ની તરીકે લઇ તેઓ ફરી વડોદરા આવી ગયા. આ સ્ત્રીના નામનો ઉલ્લેખ ઇતિહાસમાં મળતો નથી.
રાવજી ફરી રાજકાજમાં પરોવાઇ ગયા. આ વિયોગમાં પંડિતપુત્રી સંસારથી વિરક્ત થવા લાગી. એવામાં એક દિવસ તેમણે દિવાન સમક્ષ મંદિર નિર્માણ કરવાની મહેચ્છા વ્યક્ત કરી. રાવજીએ સહમત થઇ ક્યાં દેવનું મંદિર બનાવવું છે ? એની પૃચ્છા કરી. તે જવાબ મળ્યો કે, સૂર્યનારાયણ ભગવાન ! સૂરજ દાદાનું મંદિર બનાવવા પાછળનો તર્ક એવો હતો કે, આપાજી આખો દિવસ રાજકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સૂરજની જેમ પૂજી આરાધના કરીશ. આપાજી આ વાતથી રાજી થયા. મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું.
મંદિરનું કામ પૂર્ણતાના આરે હતું ત્યારે રાવજી આપાજી તેમની ઉપપત્ની સાથે ત્યાં આવ્યા. પણ મંદિરનું મુખ જોઇ પંડિત પુત્રી ચોકી ઉઠી. તેમણે કહ્યું કે, આ મંદિરમાં સૂર્ય ભગવાનની પ્રતિમા પધરાવશો તો નગરની અધોગતિ થશે. સૂરજ દાદા પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. સૂરજની દિશાથી વિરુદ્ધ પૂર્વમાં પ્રતિમાનું મુખ રહેશે તો સુરજ દાદાની દ્રષ્ટિ નગર ઉપર પડશે, જે યોગ્ય નથી. મોઢેરા, કોણાર્કની સ્થિતિનું તેણીએ વર્ણન કર્યું. રાવજી વિમાસણમાં મૂકાયા. તેમણે વિદ્વાન પંડિતોની સલાહ લીધી. સૌએ ઉક્ત વાતનું સમર્થન કર્યું. એમાં એક વિદ્વાને આ પ્રશ્નનો ઉકેલ આપ્યો. વિદ્વાને સૂર્યની દ્રષ્ટિ ટાળવા ઇન્દ્રના વાહન હાથીને મંદિરના પટાંગણમાં મૂર્તિ સમક્ષ મૂકવાનો ઉપાય સૂચવ્યો. એથી હાલની અણુસ્તુપ ટેકરી ઉપર પડી રહેલી પથ્થરની હાથીની મૂર્તિ મંદિરના પટાંગણમાં સ્થાપિત કરવામાં આવી. આમ સ્થાપત્યદોષનું નિવારણ કરવામાં આવ્યું. હાલમાં પણ ગજરાજના દર્શન થાય છે. ઇતિહાસકારોનો એક મત એવો પણ છે કે, દિવાન અપાજીની એ ઉપપત્ની સૌરાષ્ટ્રના હતા અને તેઓ સૂર્યની આરાધના કરતા પરિવારમાંથી હતી. એથી તેણીએ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.
