
નેપાળની કમાન પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને સોંપવા તૈયારી.વર્તમાન હાલતમાં કાર્કી જેવી હસ્તી, જેમની છબિ ન્યાયપ્રિય અને નિષ્પક્ષ રહી છે, તેઓ જનતાનો વિશ્વાસ જીતી શકે છ.નેપાળમાં ભારે હોબાળા બાદ કર્ફ્યૂના કારણે સન્નાટો છે. આ દરમિયાન નેપાળના ઝેન-જી પ્રદર્શનકારીઓએ એક મોટો ર્નિણય લીધો છે. ચાર કલાક ચાલેલી વર્ચ્યુઅલ બેઠક બાદ તેમણે દેશમાં વચગાળાનું નેતૃત્વ સંભાળવા માટે પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનું નામ આગળ ધર્યું છે. આ પગલું નેપાળની હાલની રાજનીતિ માટે જેટલું ચોંકાવનારું છે, એટલું જ આશાઓથી ભરેલું પણ છે. કેમ સુશીલા કાર્કીની પસંદગી થઈ, આવો તેના વિશે વિગતવાર જાણીએ?
બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ પણ યુવાન જે રાજકારણ સાથે જાેડાયેલો છે, તેને નેતૃત્વમાં ભાગ બનાવવામાં આવશે નહીં. ઉદ્દેશ્ય તો આ આંદોલનને સંપૂર્ણપણે નિષ્પક્ષ અને બિનરાજકીય બનાવી રાખવાનો. સુશીલા કાર્કી હાલમાં કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જાેડાયેલા નથી. એક સિવિક એક્ટિવિસ્ટ અને પૂર્વ જજ હોવાના કારણે તેમને આ ભૂમિકા માટે સૌથી યોગ્ય માનવામાં આવ્યા.
કાઠમંડુ મેયર બાલેંદર શાહ અને યુવા નેતા સાગર ધકાલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે, પણ આંદોલનકારી યુવાનોનું માનવું છે કે વર્તમાન હાલતમાં કાર્કી જેવી હસ્તી, જેમની છબિ ન્યાયપ્રિય અને નિષ્પક્ષ રહી છે, તેઓ જનતાનો વિશ્વાસ જીતી શકે છે.
સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલે પહેલા ભલામણ કરી હતી કે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અથવા દુર્ગા પ્રસાઈ સાથે વાત કરવી જાેઈએ. પણ યુવાનોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. તેઓ કોઈ પણ એવી તાકાતથી દૂર રહેવા માગતા હતા, જેમનો રાજકીય એજન્ડા હોય. સુશીલા કાર્કીનો જન્મ ૭ જૂન ૧૯૫૨માં બિરાટનગરમાં થયો છે. સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા કાર્કીએ કાયદાનો અભ્યાસ કર્યા બાદ ૧૯૭૯માં બિરાટનગરથી વકાલત શરુ કરી. ૧૯૮૫માં તેમણે મહેન્દ્ર મલ્ટિપલ કેમ્પસ, ધરાનમાં સહાયક અધ્યાપક તરીકે કામ કર્યું. ૨૦૦૭માં તેઓ સીનિયર એડવોકેટ બન્યા.૨૨ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના એડ-હોક જજ તરીકે નિયુક્ત કર્યા અને ૨૦૧૦માં સ્થાયી જજ બન્યા. ૨૦૧૬માં તેઓ નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા. આ ખુદમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. ૧૧ જૂલાઈ ૨૦૧૬થી લઈને ૭ જૂન ૨૦૧૭ સુધી તેમણે સુપ્રીમ કોર્ટની કમાન સંભાળી હતી.
કાર્કીના કાર્યકાળમાં મોટા ર્નિણયો લેવાયા. પણ ૨૦૧૭માં તેમના પર માઓવાદી સેન્ટર અને નેપાળી કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ લાવી દીધો. આ પગલાથી દેશભરમાં વિરોધ થયો. સુપ્રીમ કોર્ટે પણ સંસદને રોકવાનો આદેશ આપ્યો અને આખરે પ્રસ્તાવ પાછો લેવો પડ્યો. આ પ્રકરણે કાર્કીને એક એવી શખ્સિયત બનાવી દીધી, જે પ્રેશર છતાં મજબૂતીથી ટક્કર લીધી.
કાર્કીના લગ્ન દુર્ગા પ્રસાદ સુવેદી સાથે થયા છે, જેમને તેઓ બનારસમાં અભ્યાસ દરમિયાન મળ્યા. સુવેદી તે સમયે નેપાળી કોંગ્રેસના ચર્ચિત યુવા નેતા હતા અને પંચાયતી શાસન વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં સક્રિય હતા. ત્યાં સુધી કે એક વિમાન અપહરણ કાંડમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. ન્યાયપાલિકામાંથી રિટાયર થયા બાદ કાર્કીએ પુસ્તકો લખવાનું શરુ કર્યું. ૨૦૧૮માં તેમની આત્મકથા ન્યાય આવી અને ૨૦૧૯માં તેમની નવલકથા કારા પ્રકાશિત થઈ, જે બિરાટનગર જેલના અનુભવો પર આધારિત છે.
