
ભારતની ઇનિંગ્સ દરમિયાન અવારનવાર વરસાદનું વિઘ્ન નડ્યું હતું.શ્રીલંકાને હરાવીને વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભ.વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતના ૨૬૯, દિપ્તી શર્માનો ઓલરાઉન્ડ દેખાવ, અમનજાેતની અડધી સદી ફટકારી.દિપ્તી શર્માના ઓલરાઉન્ડ પ્રદર્શન અને અમનજાેત કૌરની અડધી સદીની મદદથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે મંગળવારે અહીં રમાયેલી મેચમાં શ્રીલંકન વિમેન્સ ટીમને ૫૯ રનથી (ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે) હરાવીને આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય સાથે શુભારંભ કર્યાે હતો. દિપ્તી શર્માએ અડધી સદી ફટકારવા ઉપરાંત ત્રણ વિકેટ પણ ખેરવી હતી. ભારત હવે પાંચમીએ કોલંબો ખાતે પાકિસ્તાન વિમેન્સ સામે રમશે તો શ્રીલંકન ટીમ ચોથીએ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.અહીંના બરાસપરા સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૪૭ ઓવરમાં આઠ વિકેટે ૨૬૯ રનનો સ્કોર નોંધાવ્યો
હતો પરંતુ ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે શ્રીલંકાને ૪૭ ઓવરમાં ૨૭૧ રનનો ટારગેટ મળ્યો હતો. શ્રીલંકન વિમેન્સ ટીમે ૪૫.૪ ઓવરમાં ૨૧૧ રન કર્યા હતા. ૨૭૧ રનના ટારગેટ સામે શ્રીલંકાએ પણ આકર્ષક રમત દાખવી હતી પરંતુ ૧૫ ઓવરમાં ૮૨ રનના સ્કોર બાદ ટીમે ૧૦૦ રન પૂરા કર્યા ત્યાં સુધી તેમની લડત જાેવા મળી હતી. ત્યાર બાદ ટીમે વિકેટો પણ ગુમાવી હતી અને તેમની બેટિંગ ધીમી પણ પડી ગઈ હતી. આ દરમિયાન ભારતની સ્પિનર્સ દિપ્તી શર્મા અને સ્નેહ રાણાએ પ્રભાવશાળી બોલિંગ કરીને શ્રીલંકાની રમગતિ પર બ્રેક લગાવી દીધી હતી. શ્રીલંકન વિમેન્સ ટીમ માટે ઓપનર અને કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ૪૩ અને નિલાક્ષી ડી સિલ્વાએ ૩૫ રન ફટકાર્યા હતા. ચમારી અટાપટ્ટુએ ૪૭ બોલની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. દિપ્તીએ ત્રણ અને સ્નેહ રાણા તથા શ્રી ચરાણીએ બે વિકેટ લીધી હતી.અગાઉ શ્રીલંકાએ ટોસ જીતીને ભારતીય વિમેન્સ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની ઇનિંગ્સ દરમિયાન અવારનવાર વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને અંતે મેચ ૪૭-૪૭ ઓવરની કરી દેવાઈ હતી. ઓપનર અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. તે માત્ર આઠ રન કરી શકી હતી. પ્રતિકા રાવલે ૩૭ અને હરલિન દેઓલે ૪૮ રન ફટકારીને સ્કોર ૮૧ ઉપર પહોંચાડ્યો હતો. જાેકે મેચની ૨૬મી ઓવર ભારતને ભારે પડી ગઈ હતી જેમાં ઇનોકા રણવિરાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓવરના પહેલા અને બીજા બોલે ભારતે હરલિન દેઓલ અને જેમિમાહ રોડ્રિગ્સની વિકેટો ગુમાવ્યા બાદ પાંચમા બોલે કેપ્ટન હરમનપ્રિત કૌરની વિકેટ પણ ગુમાવી હતી. આમ બે વિકેટે ૧૨૦થી ભારતનો સ્કોર પાંચ વિકેટે ૧૨૧ થઈ ગયો હતો. ત્યાર પછીની જ ઓવરમાં રિચા ઘોષ પણ આઉટ થઈ ગઈ હતી પરંતુ આ તબક્કે દિપ્તી શર્મા અને અમનજાેત કૌર વચ્ચેની ૧૦૩ રનની ભાગીદારીનો પ્રારંભ થયો હતો.




