
રાહતોની સાથે જ ગાઝામાં પેલેસ્ટેનિયનોની વાપસી.ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે બે વર્ષ લાંબા યુદ્ધનો વિરામ થતાં હવે ઈઝરાયેલના બંધકોને પણ મુક્ત કરવા તૈયારીઓ હાથ ધરાઈ.ગાઝામાં યુદ્ધવિરામના ત્રીજા દિવસે રવિવારે મદદકર્તા એજન્સીઓ નોંધપાત્ર પ્રમાણમાં રાહત પહોંચાડવા આગળ આવી હતી. શાંતિ કરારની ઘોષણા બાદ પેલેસ્ટેનિયનોની પણ ગાઝામાં વાપસી થઈ રહી છે. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે બે વર્ષ લાંબા યુદ્ધનો વિરામ થતાં હવે ઈઝરાયેલના બંધકોને પણ મુક્ત કરવા તૈયારીઓ હાથ ધરાઈ છે તેમજ ઈઝરાયેલમાં રહેલાં પેલેસ્ટેનિયન કેદીઓને ટૂંક સમયમાં મુક્ત કરાશે. ૯ ઓક્ટોબરના રોજ બંને પાડોશી દેશોએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ યુદ્ધ વિરામનો જશ લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સવારે ઈઝરાયેલ પહોંચે તેવી અપેક્ષા છે. વ્હાઈટ હાઉસે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તેઓ ઈઝરાયેલના બંધકોના પરિવારજનોને મળશે અને ઈઝરાયેલની સંસદ નેસેટમાં સંબોધન કરશે. ત્યારબાદ ટ્રમ્પ ઈજિપ્ત જશે જ્યાં તેઓ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફત્તાહ અલ-સિસ્સી સાથે શાંતિ પરિષદની સહ-અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં કેટલાક પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેશે.શાંતિ કરાર બાદ ઈઝરાયેલે ગાઝામાંથી તેનું લશ્કર પરત ખેંચતા હમાસ સંચાલિત ગૃહ મંત્રાલયે સંખ્યાબંધ પોલીસ તૈનાત કરી દીધી છે. સ્થાનિક પોલીસ રાહત લાવતી ટ્રકોની દેખરેખ રાખી રહી છે. સંયુક્ત નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (યુએનઆરડબલ્યુએ) ગાઝામાં અત્યાર સુધી સૌથી મોટી મદદકર્તા સંસ્થા રહી છે. તેના દ્વારા મોકલાયેલી રાહત સામગ્રી સાથેની છ હજાર ટ્રકો ઈજિપ્ત અને જાેર્ડનની બહાર રાહ જાેઈ રહી છે. યુએનઆરડબલ્યુએએ જણાવ્યું કે, નવી સમજૂતિ હેઠળ ગાઝામાં મદદમાં તેની કેવી ભૂમિકા રહેશે તે અંગે તેને સ્પષ્ટતા નથી.સંસ્થાના પ્રવક્તા જાેનાથન ફ્લાવરે જણાવ્યું કે, પેલેસ્ટેનિયન રેફ્યુજીને ત્રણ મહિના ચાલી શકે તેટલી ખાદ્ય સામગ્રીનો જથ્થો તેમની પાસે ઉપલબ્ધ છે. ગાઝામાં માનવતાવાદી સહાય માટે જવાબદાર ઈઝરાયેલની સંરક્ષણ સંસ્થા કોગેટે જણાવ્યું કે, શાંતિ કરારમાં નક્કી થયા મુજબ ગાઝામાં રાહત સામગ્રી લઈને આવતી ટ્રકો વધીને પ્રતિદિન ૬૦૦ થશે. દરમિયાન સોમવારે ઈઝરાયેલમાં યુએસ પ્રમુખના આગમન સાથે જ ગાઝામાંથી ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવાનું શરૂ થઈ શકે છે. એક બંધકના પરિવારજને ઈઝરાયેલના કો-ઓર્ડિનેટર તરફથી આનો સંકેત મળ્યાની પુષ્ટિ કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સે રવિવારે જણાવ્યું કે, પ્રમુખ ટ્રમ્પ સોમવારે ઈઝરાયેલની મુલાકાત લેશે ત્યારે ગાઝામાં યુએસના લશ્કરની ઉપસ્થિતિ રહેશે નહીં. લાંબા સમય બાદ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે શાંતિ કરાર શક્ય બન્યો છે. આ લાંબા ગાળાની સમજૂતિ રહેવાની તથા કાયમી શાંતિ સ્થપાય તેવી આશા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના ૨૦૦ જવાનો પ્રદેશમાં શાંતિ સમજૂતિની શરતોનું પાલન અને માનવતાવાદી મદદની સમીક્ષા માટે તૈનાત છે.
