
અમેરિકન પ્રમુખના સૂર બદલાયા મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયેલું વલણ, મદદનું આપ્યું વચન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સૌથી મોટા ટીકાકારોમાંના એક, ન્યૂયોર્કના નવા ચુંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી. જે ટ્રમ્પે અગાઉ મમદાનીને જાહેરમાં વામપંથી પાગલ જેવા ઉપનામો આપ્યા હતા, તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અનેક મુદ્દાઓ પર સહમતિ પણ દર્શાવી.
અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યૂયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે તેઓ ન્યૂયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવામાં નવા મેયરની સંપૂર્ણ મદદ કરશે. ટ્રમ્પે કહ્યું, “અમે મમદાનીની મદદ કરીશું, જેથી દરેકનું સ્વપ્ન સાકાર થઈ શકે, એક મજબૂત અને સુરક્ષિત ન્યૂયોર્કનું નિર્માણ થઈ શકે.”
બીજી તરફ, મમદાનીએ પણ બેઠક બાદ સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું રાષ્ટ્રપતિની એ વાત માટે પ્રશંસા કરું છું કે અમારી મીટિંગમાં મતભેદો પર નહીં, પરંતુ ન્યૂયોર્કના લોકોના જીવનને કેવી રીતે બહેતર બનાવી શકાય તેના પર ચર્ચા થઈ.” આ મુલાકાત દરમિયાન સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય ત્યારે જાેવા મળ્યું જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે જ મમદાનીનો પત્રકારો સામે બચાવ કરતા જાેવા મળ્યા.
જ્યારે એક પત્રકારે મમદાનીને તેમના જૂના નિવેદન, જેમાં તેમણે ટ્રમ્પને ફાસિસ્ટ કહ્યા હતા, તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું, ત્યારે મમદાની જવાબ આપે તે પહેલાં જ ટ્રમ્પ વચ્ચે બોલ્યા, “મને તો સરમુખત્યારથી પણ ખરાબ કહેવામાં આવ્યો છે.” જ્યારે બીજા પત્રકારે ફરી પૂછ્યું કે શું મમદાની હજુ પણ માને છે કે ટ્રમ્પ એક ફાસિસ્ટ છે, ત્યારે ટ્રમ્પે ફરીથી મમદાનીને જવાબ આપતા અટકાવ્યા અને હસીને કહ્યું, “કોઈ વાંધો નહીં. તમે બસ હા કહી શકો છો. ઠીક છે? મને કોઈ તકલીફ નથી.” આ ઘટનાએ ત્યાં હાજર સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ મુલાકાત બાદ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત મળી રહ્યા છે.




