
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયું ધર્મેન્દ્રના નિધન પર મોદીએ કહ્યું આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ભારતીય ફિલ્મ જગત માટે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના સુપરસ્ટાર અને હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર દેઓલનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે.
હિન્દી સિનેમામાં પોતાના દમદાર અભિનય અને આગવી શૈલીથી કરોડો દિલો પર રાજ કરનાર આ દિગ્ગજ અભિનેતાની વિદાયથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિધનને ભારતીય સિનેમાના એક સુવર્ણ યુગનો અંત ગણાવ્યો છે. ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. પીએમ મોદીએ લખ્યું, “ધર્મેન્દ્રજીનું નિધન એ ભારતીય સિનેમામાં એક યુગના અંત સમાન છે. તેઓ એક અદ્ભુત કલાકાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા, જેમણે પોતાની દરેક ભૂમિકામાં એક અલગ જ આકર્ષણ અને ઊંડાણ ઉમેર્યું હતું. તેમણે ભજવેલા વિવિધ પાત્રો અસંખ્ય લોકોના હૃદયને સ્પર્શી ગયા છે. ધર્મેન્દ્રજી તેમની સાદગી, નમ્રતા અને હૂંફ માટે હંમેશા પ્રશંસનીય રહેશે. આ દુ:ખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને કરોડો ચાહકો સાથે છે. ઓમ શાંતિ.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પણ એક્ટરના નિધનને લઈને સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેમને ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અહેવાલો મુજબ, તેમને નિયમિત તપાસ અને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સુધારા બાદ પરિવાર તેમને ઘરે લાવ્યો હતો અને ત્યાં જ તેમની દેખરેખ માટે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાેકે, તમામ પ્રયાસો છતાં તેમની તબિયત લથડતી ગઈ અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના સ્વાસ્થ્યની ગંભીરતા જાેઈને સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતના બોલિવૂડ સ્ટાર્સે પણ તેમની મુલાકાત લીધી હતી.




