
સુરત એરપોર્ટ પર મુસાફરના કપડાંમાંથી ડાયમંડનો વરસાદ !.એક બેંગકોક જતા મુસાફર પાસેથી મોટી માત્રામાં ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા.એરપોર્ટ પર અવારનવાર દાણચોરીનો પર્દાફાશ થતો હોય છે. વિદેશમાંથી આવતા કેટલાક લોકો સોનું, ડાયમંડની દાણચોરી કરતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક બેંગકોક જતા મુસાફર પાસેથી મોટી માત્રામાં ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરત એરપોર્ટ પર બની હતી. જ્યારે કસ્ટમ વિભાગે એક શંકાસ્પદ મુસાફરની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, મુસાફરના કપડામાંથી છુપાવેલા ૪૩ લાખની કિંમતના હીરા અને ૬ લાખની કિંમતના યુએસ ડોલર મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે તાત્કાલિક આ ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરી લીધા હતા. આ અગાઉ સુરત એરપોર્ટ પરથી ચાંદી પણ ઝડપાઈ હોવાના અહેવાલો હતા.
આ કિસ્સામાં, કસ્ટમ અધિકારીઓએ મુસાફરનું નિવેદન નોંધ્યા બાદ તેને છોડી મૂક્યો હતો. આ ઘટના ફરી એકવાર એરપોર્ટ પર કડક સુરક્ષા અને કસ્ટમ વિભાગની સતર્કતા દર્શાવે છે.




