
દુષ્કર્મની ભોગ બનેલી દીકરીની ઓળખ છતી કરી હતી.કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.રહેણાંક મકાનની ઓળખ છતી થાય તેવા ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયાપર અપલોડ કરવામાં આવ્યા હતા.ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ચોથી ડિસેમ્બરના રોજ ૭ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે બનાવ સંદર્ભે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ આચરનાર તેમજ તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળીયો ઘુસાડી ઇજા પહોંચાડનાર રામસિંગ તેરસિંગ નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ ૧૫ ડિસેમ્બર સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તે પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યા પૂર્વે રામસિંગ તેરસિંગને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે ૧૩ ડિસેમ્બરના રોજ કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહીર સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા ભોગ બનનાર બાળકી તેમજ તેના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી.
પ્રગતિ આહીરના ફેસબૂક પેજ ઉપર બાળકી તેમજ બાળકીના પરિવારજનોની ઓળખ તેમ જ તેમના રહેણાંક મકાનની ઓળખ છતી થાય તેવા ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયાના જાહેર પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ સંજય મેટાળીયા દ્વારા પ્રગતિ આહીર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ ૭૨, પોકસોની કલમ ૨૩, ૨૩ (૪) તેમજ ધી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૭૪(૩) મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં સંજય મેટાળીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૩ ડિસેમ્બરના રોજ પ્રગતિ આહીર નામના ફેસબુક એકાઉન્ટમાં ભોગ બનનાર બાળકીના પિતા તેમજ તેના પરિવારજનોની ઓળખ છતી થાય તેવા ફોટો, વીડિયો તેમજ લેખિત પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા મહિલા સુરક્ષિત હોવાના ખોખલા અને પોકળ દાવાઓ વચ્ચે છ વર્ષના નાના ફૂલ સમાન કોમળ દીકરી પીંખાઇ રહી છે. તેમજ નરાધમોનો ભોગ બની રહી છે. દીકરી અને તેના પરિવારને મળીને કાળજુ કંપી ઊઠે એવા દ્રશ્યો નજરે જાેયા છે. આવા નરાધમને જાહેરમાં ફાંસીની સજા આપીને દાખલો બેસાડવો જાેઈએ કે, ફરીથી આવું કોઈ કોમળ ફૂલ ના પીંખાઇ જાય”.
પ્રગતિ આહિરે તેના faceboko પર અપલોડ કરેલ ફોટામાં ભોગ બનનાર બાળકીના પિતા તેમજ તેના પરિવારજનોના ચહેરા સ્પષ્ટપણે દેખાય તે રીતે અપલોડ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર બાળકીનું બીએનએસ ની કલમ ૧૮૩ મુજબ સ્ટેટમેન્ટ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતી વખતે જ્યારે ભોગ બનનારને સંવેદનશીલતા તેમજ પ્રાઇવેસીની જરૂર હોય ત્યારે પ્રગતિ આહીર દ્વારા પરિવારના ફોટા પાડી વાયરલ કરવામાં આવ્યા છે.




