
ઉતરાખંડમાં ખીર ગંગા નદીમાં આવેલા પૂરના કારણે ગુજરાતના ૧૪૧ જેટલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ
ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકાર અને ત્યાંના SEOC સાથે સતત સંપર્કમાં
ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલ પુરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
વધુમાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે જેમને મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડી છે તેમને તમામ પ્રકારની મેડિકલ સારવાર સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે.





