
ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર.ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ૧૮.૫૫ કરોડની છેતરપિંડી ,એકની ધરપકડ.પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની કેદની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા.ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCE) એ દેશવ્યાપી સાયબર ફ્રોડ સિન્ડિકેટના વધુ એક સભ્યની ધરપકડ કરી છે. આ કૌભાંડીઓ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા નિર્દોષ નાગરિકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી, સરકારી એજન્સીઓના નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવતા હતા. પકડાયેલ આરોપીની ઓળખ અશોકકુમાર નરશીભાઈ સાંખલા તરીકે થઈ છે, જે અમદાવાદનો રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ સામાન્ય લોકોને વોટ્સએપ વીડિયો કોલ અથવા ફોન કોલ કરતી હતી. તેઓ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારીઓ અથવા પોલીસ તરીકે આપતા હતા.ભોગ બનનારને કહેવામાં આવતું કે તેમનો મોબાઈલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયો છે અને તે તેમના આધાર કાર્ડ સાથે લિંક છે, જેથી તેમનો નંબર થોડા કલાકોમાં બંધ થઈ જશે. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટ, CBI, ED, અને RBI જેવી એજન્સીઓનો ડર બતાવી, ખોટી FIR ના નામે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવતા. પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની કેદની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ અગાઉ પકડાયેલા સાગરીતો સાથે મળીને “વિશ્વ ગ્લોબલ ચેરિટી ટ્રસ્ટ” નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાની વિગતો મુંબઈના સાગરીતોને મોકલી હતી, જેનો ઉપયોગ ફ્રોડના રૂપિયા જમા કરવા માટે થતો હતો. બદલામાં આરોપીને USDT ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા કમિશન મળતું હતું.
સાયબર ક્રાઈમ પોર્ટલ પર તપાસ કરતા આ ટ્રસ્ટના બેંક ખાતાઓ સામે દેશભરમાં ૧૧ જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં મુંબઈ, કોઈમ્બતુર અને તેલંગાણાના કેસોનો સમાવેશ થાય છે. પોલીસના અંદાજ મુજબ, આ કેસોમાં કુલ ૧૮.૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાંથી ૩.૧૫ કરોડ રૂપિયા પકડાયેલા આરોપીના સંપર્કો મારફતે ટ્રાન્સફર થયા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.




