
૩૧ વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો.જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ!.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના નામે ખાનગીમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય, તો તેની સામે SC/ST એક્ટ હેઠળ કેસ ચલાવી શકાય નહીં.રાજસ્થાન હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) એક્ટ એટલે કે SC/ST એક્ટને લઈને એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હવે કોઈએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કે ગાળો ખાનગીમાં આપી છે કે જાહેરમાં, તેના આધારે જ કેસ નક્કી થશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના નામે ખાનગીમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય, તો તેની સામે SC/ST એક્ટ હેઠળ કેસ ચલાવી શકાય નહીં. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે ૩૧ વર્ષ જૂના એક કેસમાં આરોપીની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો છે.
આ વિવાદ વર્ષ ૧૯૯૪નો છે. જાેધપુરમાં એક વ્યક્તિએ શોરૂમમાંથી લોન પર વાહન ખરીદ્યું હતું. પેમેન્ટમાં વિલંબ થતાં શોરૂમ માલિકે વાહન જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શોરૂમની અંદર બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદીનો આરોપ હતો કે શોરૂમ માલિકે તેને જ્ઞાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કર્યો હતો.
વર્ષ ૧૯૯૪માં નીચલી અદાલતે શોરૂમ માલિકને આ કેસમાં દોષિત ગણી સજા ફટકારી હતી. અદાલતનું એવું તારણ હતું કે શોરૂમ એક વ્યાપારિક સ્થળ હોવાથી ત્યાં થયેલી ઘટના પબ્લિક વ્યૂ એટલે કે જાહેર દૃષ્ટિ હેઠળ આવે છે. જાેકે, આ ચુકાદાને પડકારતા આરોપીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
જસ્ટિસ ફરજંદ અલીની પીઠે આ મામલે સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટનો ર્નિણય પલટી નાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મુખ્યત્વે બે વાતો પર ભાર મુકતા કહ્યું કે SC/ST એક્ટની કલમ ૩(૧)(x) ત્યારે જ લાગુ થાય છે જ્યારે અપમાનજનક શબ્દો જાહેર જનતાની હાજરીમાં અથવા એવી જગ્યાએ બોલવામાં આવ્યા હોય જ્યાં સામાન્ય લોકો જાેઈ કે સાંભળી શકે.
આ કિસ્સામાં ઘટના બંધ શોરૂમની અંદર બની હતી અને ત્યાં કોઈ સ્વતંત્ર સાક્ષી હાજર નહોતો. જે કંઈ પણ બન્યું તે બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યાપારી વિવાદ હતો. તેથી તેને જાહેર અપમાન માની શકાય નહીં.
SC/ST એક્ટ(૧૯૮૯) મુજબ, જાે કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિનું જ્ઞાતિના આધારે અપમાન કરે છે, તો તે સજાપાત્ર ગુનો છે. પરંતુ રાજસ્થાન હાઈકોર્ટના આ તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત વિવાદ કે ચાર દીવાલની વચ્ચે થયેલી બોલાચાલીમાં આ કાયદાનો દુરુપયોગ કરી શકાશે નહીં.




