
કોર્ટે વાયુ પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી.એર પ્યુરિફાયર પર ૧૮% GST લગાવતા જજ સાહેબ ગુસ્સે થયા.અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એર પ્યુરિફાયરને તબીબી ઉપકરણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે.દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે વાયુ પ્રદૂષણ અને નાગરિકોના સ્વાસ્થ્ય અંગે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી નાખી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એર પ્યુરિફાયરને તબીબી ઉપકરણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે, જેથી તેના પર લાદવામાં આવેલ GST માફ કરી શકાય, જેનાથી સામાન્ય લોકોને રાહત મળી શકે. આ બાબતે કોર્ટે કહ્યું કે, “આપણે દિવસમાં ૨૧,૦૦૦ વખત શ્વાસ લઈએ છીએ, અને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી થતા નુકસાનની કલ્પના કરીએ છીએ.”
સુનાવણી દરમિયાન, GST વિભાગના વકીલે દલીલ કરી હતી કે, આ બાબત પર સંસદીય સમિતિ દ્વારા પહેલાથી જ વિચારણા કરવામાં આવી છે અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હાઈકોર્ટે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે, “જ્યારે હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે ઈન ડ્યૂ ટાઈમનો અર્થ શું થાય છે?”
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ તમે લઈ શકો તે ઓછામાં ઓછું પગલું છે. આ શહેરના દરેક નાગરિકને સ્વચ્છ હવાની જરૂર છે, અને તમે હજુ સુધી તે પૂરું પાડી શક્યા નથી. ઓછામાં ઓછું તમે લોકોને હવા શુદ્ધિકરણની સુવિધા આપો.”
હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા પૂછ્યું કે, “તમે લોકો પાસેથી ૧૫ દિવસ સુધી શું કરવાની અપેક્ષા રાખો છો? શું તેઓ શ્વાસ લેવાનું બંધ કરી દે?” કોર્ટે કહ્યું કે, “એક વ્યક્તિ દિવસમાં લગભગ ૨૧,૦૦૦ વખત શ્વાસ લે છે, અને જાે તે જ વ્યક્તિ આટલી બધી વખત પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે, તો તેનાથી થતા નુકસાનનો અંદાજ કાઢવો જાેઈએ.” કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પ્રદૂષણનું આ સ્તર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યું છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં.” કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે, “તમને જવાબ આપવા માટે ૧૫ દિવસની જરૂર કેમ છે? તમે વેકેશન બેન્ચમાં કેમ જવાબ આપી શકતા નથી? અમે તમને કોઈ લાભ નહીં આપીએ.” હાઈકોર્ટે એમ પણ પૂછ્યું કે, “તમે શું પ્રસ્તાવ મૂકી રહ્યા છો તે અમને કહો. આ હવાઈ કટોકટી દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કામચલાઉ મુક્તિ કેમ ન આપી શકાય?”
કોર્ટે સરકાર પાસેથી એ પણ જાણવા માંગ્યું હતું કે, GST કાઉન્સિલની બેઠક ક્યારે યોજાશે અને “કાઉન્સિલ સમક્ષ કયો પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે.” અંતે, હાઈકોર્ટે કડક સૂચનાઓ આપતા કહ્યું કે, “આજે બપોરે ૨:૩૦ વાગ્યા સુધીમાં અમને સ્પષ્ટપણે જણાવો કે તમારા સૂચનો શું છે.”




