
મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના.ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી; ૧૩ મુસાફરના મોત, ૯૮ ઈજાગ્રસ્ત.મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેનમાં ૯ ક્રૂ મેમ્બર અને ૨૪૧ મુસાફરો સવાર હતા, કુલ ૨૫૦ લોકોમાંથી ૧૩૯ લોકો સુરક્ષિત છે.મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી. લગભગ ૨૫૦ લોકોને લઈ જઈ રહેલી એક ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૯૮ અન્ય લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતે મેક્સિકોના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રમુખ ક્લાઉડિયા શીનબામે સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે જેથી પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરી શકાય.મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેનમાં ૯ ક્રૂ મેમ્બર અને ૨૪૧ મુસાફરો સવાર હતા. કુલ ૨૫૦ લોકોમાંથી ૧૩૯ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
ઈજાગ્રસ્તોમાંથી ૫ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે લગભગ ૩૬ લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.ઓક્સાકાના ગવર્નર સાલોમન જારા ક્રુઝે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યની એજન્સીઓ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે પુષ્ટિ કરી છે કે અકસ્માતના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તે તપાસવામાં આવી રહ્યું છે કે શું આ કોઈ તકનીકી ખામી હતી કે રેલવે ટ્રેકના સમારકામમાં કોઈ ખામી રહી ગઈ હતી.જે ટ્રેન સાથે આ અકસ્માત થયો તે મેક્સિકોના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એકનો ભાગ છે. આ કોરિડોરને પનામા નહેરના વિકલ્પ તરીકે જાેવામાં આવી રહ્યો છે, જે મેક્સિકોના પ્રશાંત મહાસાગર અને ખાડીના કિનારાને જાેડે છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૨૩માં પૂર્વ રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોરના કાર્યકાળમાં થયું હતું, જેનો મુખ્ય હેતુ દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસ અને વેપારના માળખાને આધુનિક બનાવવાનો હતો. જાેકે, આટલી મોટી દુર્ઘટનાએ મુસાફરોના વિશ્વાસને હચમચાવી દીધો છે, અને હવે પ્રશાસન પર આ સમગ્ર કોરિડોરના સેફ્ટી ઓડિટનું દબાણ વધી ગયું છે.




