
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું.હિંમતનગરમાં કરોડોની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું.અલગ અલગ સ્ટેશનોમાંથી પકડાયેલા કરોડોની કિંમતનો દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસ તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના વીરપુર બાયપાસ પાસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા કરોડોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે સમયાંતરે જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરવાની પ્રક્રિયા અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હિંમતનગરના એ-ડિવિઝન, બી-ડિવિઝન, ગાંભોઈ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી અલગ-અલગ દરોડા દરમિયાન કુલ ૧૦૩ જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. આ કામગીરીમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી કુલ ૩૪,૮૨૬ નંગ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવાનો ર્નિણય લેવાયો હતો.
નાશ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત આશરે રૂપિયા ૧ કરોડ ૨૭ લાખ ૮૮ હજારથી વધુ અંકાય રહી છે. વીરપુર બાયપાસ રોડ પર ખુલ્લી જગ્યામાં આ તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર વિશાળ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મિનિટોમાં જ લાખોની કિંમતનો વિદેશી દારૂ માટીમાં મળી ગયો હતો.
આ સમગ્ર પ્રક્રિયા અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારી નિયમોનુસાર કરવામાં આવી હતી. આ તકે પ્રાંત ઓફિસર, મામલતદાર, ડીવાયએસપી, PI અને PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ દારૂની બોટલો તોડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં આ મુદ્દામાલનો દુરુપયોગ ન થઈ શકે.




