
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે એ તો દીવા જેવી સ્પષ્ટ બાબત દેખાય છે. આજે સરકારી કચેરીઓમાં જે રીતે લોકોના કામોની ફાઈલો અટવાઈ રહી છે એ જોતાં એવું લાગે છે કે જાણે કે સરકાર જેને જેટલું ખાવું હોય એટલું ખાવા દે છે. પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ કેમ-કોને-કેટલું ખાવા દે છે. જે માણસ ભૂતકાળમાં એમ કહેતાં થાકતો ન હતો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવું એક વાક્ય ૨૦૦૭ ની વિધાન સભાની ચૂંટણી અગાઉ જાહેરમાં બોલનારા હવે એ વાક્યનો ભૂલેચૂકે પણ પુનરુચ્ચાર કરતા નથી. એનું કારણ કેગના રીપોર્ટનો અહેવાલ જેને સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. અને કર્યે પણ ક્યાંથી કારણ જ્યારે કેગના અહેવાલ માંથી ભ્રષ્ટાચાર ડોકિયાં કરી રહ્યો હોય ત્યારે કેગનો અહેવાલ પ્રસિધ્ધ કરવાની ભૂલ સરકાર શા માટે કરે?
અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઓકટોબર-૨૦૧૩ માં એવી સૂચના આપી હતી કે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેની કામગીરી માં દર વર્ષે ૨૦ ટકાનો વધારો કરવો જોઈએ, પણ વર્ષ-૨૦૦૭ થી ૨૦૧૧ દરમિયાન ભ્રષ્ટાચારના કેસોની તપાસમાં લક્ષ્યાંક કરતાં સિધ્ધિ હંમેશાં ઓછી જ રહી છે. આ વર્ષો દરમિયાન સિધ્ધિ માં ૩૨ થી ૫૮ ટકા સુધીની ઘટ પ્રવર્તે છે. આ કામ આ કચેરી ના કરી શકી એનું કારણ એમ દર્શાવાયું કે આ કચેરીના કર્મચારીઓ ને પોલિસ બંદોબસ્ત માં ગોઠવવામાં આવે છે. ૨૦૦૯ થી ૨૦૧૧ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી કચેરીના પોલિસ ઈન્સ્પેક્ટરોને ૨૩૦૩ માનવદિન અને કોન્સ્ટેબલોને ૨૧૫૦ માનવદિન પોલીસ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી કચેરીમાં ૩૭ જગ્યાઓ ખાલી હતી. સ્ટાફની અછત અંગે કચેરી ધ્વારા રજૂઆતો પણ થઈ તેમ છતાં એ જગ્યાઓ ભરવા માટે કોઈ પગલા લેવાયા નહોતા. આ કચેરીનું કાર્યક્ષેત્ર પોલિસના વહિવટ કરતાં અલગ કરવામાં આવ્યું હોવા છતાં આ કચેરીના ઈન્સ્પેક્ટરોને પોલિસની કામગીરી સોંપવામાં આવી અને આ કચેરી પર પોલિસ નો અંકુશ ચાલુ રહ્યો. એને કારણે ભ્રષ્ટાચાર વિરોધી કચેરી તેનાં લક્ષ્યાંકો સિધ્ધ કરી શકી નહીં એમ એ સમયે કેગના અહેવાલમાં નોંધાયું હતું.




