
મધ્યપ્રદેશથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ.ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી.બિહારના પટના સિવિલ કોર્ટમાં RDX હોવાની ધમકી.ગુજરાત બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ગુરુવારે (આઠમી જાન્યુઆરી) બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરો ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બિહારમાં પટના, ગયા અને કિશનગંજ જિલ્લા અદાલતોને નિશાન બનાવવામાં આવી છે. પટના સિવિલ કોર્ટમાં મળેલા ઈમેલમાં દાવો કરાયો હતો કે પરિસરમાં ઇડ્ઢઠ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ ન્યાયાધીશો અને વકીલો સહિત તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢીને પીરબાહોર પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ગયા કોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે.
મધ્ય પ્રદેશની રીવા જિલ્લા અદાલત અને છત્તીસગઢની બિલાસપુર તથા રાજનાંદગાંવ કોર્ટમાં ધમકીભર્યા મેલ મળ્યો હતો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જાે કે, હાલમાં, કોઈ પણ અદાલતે શંકાસ્પદ વસ્તુની શોધની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
શિમલા સ્થિત હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ અને ઓડિશા હાઇકોર્ટના ઓફિશિયલ આઇડી પર ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. હાઇકોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓએ ધમકી મળતાં જજ અને વકીલોમાં ગભરાટ ફેલાયો હતો. હાલ આ વિસ્તારોને કોર્ડન કરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરના દરેક ઇંચની તપાસ કરવામાં આવી. પોલીસને કોઈ સુરાગ મળ્યો નથી. બીજી તરફ પંજાબમાં મોગા, રૂપનગર, શ્રી આનંદપુર સાહિબ અને ફિરોઝપુર જિલ્લા અદાલતોને ધમકી મળતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, સુરત, ભરુચ, આણંદ અને રાજકોટની અદાલતોને પણ આવી જ રીતે ઇડ્ઢઠ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જાે કે, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ તમામ ઈમેલ કોઈ એક જ સોર્સ અથવા સર્વર પરથી મોકલવામાં આવ્યા છે? પ્રારંભિક દૃષ્ટિએ આ હોક્સ કોલ (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ ૨૬ જાન્યુઆરી નજીક હોવાથી એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જાેખમ લેવા માંગતી નથી.




