
વીડિયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો.ટ્રેનમાં ચાદરની ચોરી કરતા રંગેહાથ પકડાયા ભાજપ નેતા!.તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસે આ મામલે ભાજપ પર જાેરદાર પ્રહાર કર્યા છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને રાજકીય સાજિશ ગણાવી.પશ્ચિમ બંગાળમાં એક ટ્રેનમાં થયેલી સામાન્ય ઘટના હવે મોટો રાજકીય મુદ્દો બની ગઈ છે. ભાજપના એક નેતા પર ટ્રેનની ચાદર ચોરી કરવાનો આરોપ લાગ્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસે આ મામલે ભાજપ પર જાેરદાર પ્રહાર કર્યા છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને રાજકીય સાજિશ ગણાવી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનના એસી કોચનો અટેન્ડન્ટ એક વ્યક્તિ પર ચાદર ચોરી કરવાનો આરોપ લગાવતો નજરે પડે છે. વીડિયો બંગાળી ભાષામાં છે, જેમાં બંને વચ્ચે ભારે બોલાચાલી થતી જાેવા મળે છે. અટેન્ડન્ટ આ વ્યક્તિને બેગ ખોલીને ચાદર પાછી મૂકવા કહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ ભાજપના નેતા મૃણ્મય મજુમદાર છે, જેઓ હુગલી જિલ્લામાં ભાજપ લીગલ સેલ સાથે જાેડાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃણ્મય મજુમદાર હુગલી એક્સપ્રેસ ટ્રેન દ્વારા હુગલી કોર્ટ જઈ રહ્યા હતા. તેઓ રાત્રે ટ્રેનમાં ચડ્યા હતા. સવારે ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા એસી કોચનો અટેન્ડન્ટ ચાદર પરત લેવા આવ્યો હતો. આરોપ છે કે અટેન્ડન્ટે તેમને બેગમાં ચાદર મૂકતા જાેઈ લીધા અને તરત જ મોબાઇલથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ. વીડિયોમાં અટેન્ડન્ટ કહેતો સાંભળાય છે કે, “તમે ટિકિટ ખરીદી છે, તો એનો મતલબ એવો નથી કે તમે ચાદર બેગમાં ભરીને લઈ જાવ.” આ દરમિયાન મૃણ્મય મજુમદાર “સોરી-સોરી” કહેતા નજરે પડે છે. કોચમાં હાજર અન્ય મુસાફરો પણ અટેન્ડન્ટને સપોર્ટ કરતા જાેવા મળે છે. આ વીડિયો તૃણમૂલ કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને ભાજપ પર સીધો પ્રહાર કર્યો.TMCએ વીડિયો શેર કરતાં લખ્યું કે, “એક તરફ વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓ સાથે તસવીરો, બીજી તરફ ચોરી – આ છે ભાજપની રાજનીતિ.” બાદમાં મૃણ્મય મજુમદારની સુવેંદુ અધિકારી, સાંસદ લોકેટ ચેટર્જી તેમજ વડાપ્રધાન મોદી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.
આ ઘટના બાદ હુગલી–શ્રીરામપુર TMC અધ્યક્ષ પ્રિયંકા અધિકારી મૃણ્મય મજુમદારના ચુન્ચુડા સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. તેઓ પોતાના હાથમાં એક ધાબળો (બ્લેન્કેટ) અને ગુલાબનું ફૂલ લઈને આવ્યા હતા. તેમણે મજુમદારના ઘરના દરવાજે ધાબળો અને ફૂલ લટકાવ્યા અને સાથે એક પત્ર પણ મૂક્યો. પ્રિયંકા અધિકારીએ પત્રમાં લખ્યું કે, “હુગલી જિલ્લા તૃણમૂલ યુવા કોંગ્રેસ તરફથી આ ધાબળો તે ભાજપ નેતાને ભેટ આપવામાં આવે છે, જેઓ ટ્રેનમાં ચાદર ચોરી કરતા પકડાઈ ગયા છે.” સાથે તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી હંમેશા જરૂરિયાતમંદોની સાથે ઊભા રહે છે અને TMC ની વિચારધારા મદદ કરવાની છે.




