
વન-ડે ક્રિકેટમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોડ.રોહિત શર્માએ બે છગ્ગા ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો.રોહિત શર્માએ ૩૨૯ છગ્ગા ફટકારી વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.વડોદરામાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની પહેલી વનડે મેચમાં હિટમેને વધુ એક રેકોર્ડ ધરાશાયી કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા રોહિત શર્મા ભલે પોતાની ઇનિંગ લંબાવી શક્યો નહીં, પરંતુ તેણે બે છગ્ગા ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે વનડે ક્રિકેટ ઇતિહાસમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. ક્રિસ ગેલે ઓપનર તરીકે કુલ ૩૨૮ છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ હવે રોહિત શર્માએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે ૩૨૯ છગ્ગા ફટકારી વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રોહિત શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન કુલ ૨૯ બોલનો સામનો કરતા ૨૬ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે, કેમ કે રોહિતે આ કારનામું પોતાની ૧૯૧ ઇનિંગમાં કરી બતાવ્યું છે, જે ક્રિસ ગેલની ઇનિંગથી અડધી છે. રોહિતે પોતાના પાવર હિટિંગ શોટ્સથી લોકોને પ્રભાવિત કર્યા અને ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે, તે જ વનડેનો અસલી સિક્સર કિંગ છે.
ODI માં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી
રોહિત શર્મા – ૧૯૧ ઇનિંગ – ૩૨૯ છગ્ગા
ક્રિસ ગેલ – ૨૭૪ ઇનિંગ – ૩૨૮ છગ્ગા
સનથ જયસૂર્યા – ૩૮૨ ઇનિંગ – ૨૬૩ છગ્ગા
માર્ટિન ગુપ્ટિલ – ૧૭૪ ઇનિંગ – ૧૭૪ છગ્ગા
સચિન તેંડુલકર – ૩૪૦ ઇનિંગ – ૧૬૭ છગ્ગા
ન્યૂઝીલેન્ડે ભારતને વનડે સીરિઝની પહેલી મેચમાં જીત માટે ૩૦૧ રનનો ટાર્ગેટ આપ્યો છે. બીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં ડેરિલ મિશેલ, ડેવોન કોન્વે અને હેનરી નિકોલસે અડધી સદી ફટકારી મહત્વનો ફાળો આપ્યો. મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.




