
ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી મજબૂતીથી રાજુભાઈ કરપડા તથા ખેડૂતોના સમર્થનમાં ઊભી છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કેક કાપીને રાજુ કરપડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાઓ અને તેમના હકો માટે છેલ્લા ઘણા સમયથી જેલમાં રહેલા આપણા પોતાના પરિવારના સભ્ય સમાન રાજુભાઈ કરપડાનો આજે જન્મદિવસ છે. ભલે તેઓ આજે જેલમાં છે અને અમારી વચ્ચે હાજર નથી, પરંતુ આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. ઈશ્વર તેમને ખેડૂતો, વંચિતો, ગરીબો અને શ્રમિકો માટે વધુ મજબૂતીથી લડવાની શક્તિ આપે તેવી શુભકામના છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પરિવારનો કોઈ સભ્ય જેલમાં હોય ત્યારે ઉજવણીનો ઉત્સાહ ન રહે, પરંતુ રાજુભાઈ કરપડા ગુજરાતના ખેડૂતો માટે લડતા-લડતા જેલમાં ગયા છે. તેમની આ બહાદુરી અને સંઘર્ષ માટે આજે સમગ્ર આમ આદમી પાર્ટી ગૌરવ સાથે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટના બાદ કડદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક ખેડૂત આગેવાનોને સરકાર દ્વારા જેલમાં ધકેલવામાં આવ્યા હતા.




