
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તથા અન્ય નેતાઓ અને કાર્યકરો વડોદરા બૂથ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે દેશ માને છે કે ગુજરાતના લોકો ખુશહાલ છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ બધું જ લૂંટી લીધું છે. બધું ખાઈ ગયા છે. આજે ખેડૂતોને ખાતર મળતું નથી, બિયારણ મળતું નથી, સિંચાઈનું પાણી પી ગયા, પાકના પૂરાં ભાવ મળતા નથી, ભાજપના નેતાઓ ખેડૂતોના પૈસા ખાઈ ગયા. ભાજપના લોકોએ સરકારી સ્કૂલોની હાલત ખરાબ કરી નાખી છે, જેથી સામાન્ય માણસ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવી ન શકે અને તેને પ્રાઈવેટ સ્કૂલમાં મોકલવા મજબૂર થવું પડે. પ્રાઈવેટ સ્કૂલો ગુંડાગીરી કરી રહી છે, લૂંટ ચલાવી રહી છે. ગરીબ લોકોને કેમ લૂંટે છે? તમારા પરિવારની સરકારી હોસ્પિટલો ખાઈ ગયા. સરકારી હોસ્પિટલમાં જાઓ તો દવાઓ નથી, ટેસ્ટ થતા નથી, ડૉક્ટર નથી. જાણી જોઇને સરકારી હોસ્પિટલો તોડી નાખવામાં આવી છે જેથી તમે બીમાર પડો તો તમને પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડે. અને આ પ્રાઈવેટ હોસ્પિટલ કોની છે? ભાજપના નેતાઓની. પ્રાઈવેટ સ્કૂલ પણ તેમની, હોસ્પિટલ પણ તેમની. આજે બાળકો ભણી-ગણીને ઘરે બેરોજગાર બેઠા છે. યુવાનો જ્યારે નોકરી માંગવા જાય છે ત્યારે તેમના હાથમાં નકલી દારૂની બોટલ પકડાવી દે છે, ડ્રગ્સ અને હેરોઈનની કોથળીઓ પકડાવી દે છે. યુવાનોને નશામાં ડૂબાવી દીધા છે, તમારા યુવાનો અને તેમનું ભવિષ્ય ખાઈ ગયા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા 30 વર્ષોમાં દરેક ગુજરાતીને અપમાનીત કર્યા છે. ખેડૂતોનું અપમાન કર્યું છે. ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસી લાકડીઓ વડે મારવામાં આવ્યા હતા. આ લડાઈ સત્તાની નથી, આ ગુજરાતના સન્માનની લડાઈ છે. ગુજરાતીઓના સન્માનની લડાઈ છે, તમારા સન્માનની લડાઈ છે. આ કોઈ એક પાર્ટીને હટાવી બીજી લાવવાની લડાઈ નથી, આ સન્માન અને ન્યાયની લડાઈ છે. થોડા સમય પહેલા હરણી તળાવમાં દુર્ઘટના થઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો ડૂબી ગયા કારણ કે ત્યાં કોઈ સેફ્ટી નહોતી. જે કોન્ટ્રાક્ટરને કામ અપાયું હતું તે ભાજપનો હતો. બે વર્ષ થઈ ગયા, પણ એકેયને સજા નથી મળી. આ પરિવારોની મહિલાઓ ન્યાય માંગવા મુખ્યમંત્રીને મળવા ગઈ, પરંતુ પોલીસે તેમને બહાર કાઢી, અપમાન કર્યું અને પછી બે દિવસમાં તેમનું ઘર તોડવા પોલીસ મોકલી. આ કયું ગુજરાત બનાવી રહ્યા છે? શું આવું ગુજરાત જોઈએ છે?
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં દર વર્ષે અબજો-ખરબો રૂપિયા આવે છે, પરંતુ એ પૈસા તમારા સુધી પહોંચતા નથી. જો ઈમાનદારીથી ખર્ચ થાય તો શાનદાર સ્કૂલો, હોસ્પિટલો, રસ્તાઓ, સિંચાઈ અને મફત વીજળી મળી શકે. આદિવાસી કલ્યાણ ફંડમાંથી પ્રધાનમંત્રીની સભા માટે 50 કરોડ રૂપિયા ખર્ચાયા. 2 કરોડના સમોસા, 5 કરોડના ટેન્ટ, 7 કરોડની બસો બધું આદિવાસીઓના પૈસામાંથી. 50 કરોડમાં કેટલાય સ્કૂલ અને હોસ્પિટલ બની શક્યા હોત. આ રીતે તમારા પૈસા બરબાદ કર્યા છે, એટલે આદિવાસી સમાજ પાછળ રહ્યો છે. 30 વર્ષથી લોકોને ડરાવી, અત્યાચાર કરીને, અપમાન કરીને દબાવી રાખ્યા છે. પરંતુ એક દિવસ આવે છે જ્યારે ડરેલો માણસ ઉભો થાય છે. આજે આખું ગુજરાત ઊભું થઈ રહ્યું છે. જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ થાય છે ત્યાં જનતા ઉમટી પડે છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે, “આ વખતે બદલાવ આવશે.” અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 2027ની ચૂંટણીમાં ભાજપ જશે અને ગુજરાતના લોકોની સત્તા આવશે. ખુદ કોંગ્રેસના નેતાઓ કહે છે કે હવે તેમની પાસે તાકાત નથી, કારણ કે તેમના ધંધા ભાજપ સાથે જોડાયેલા છે. માત્ર આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકે છે, કારણ કે અમને સરકારી કોન્ટ્રાક્ટ નથી જોઈતા. અમને માત્ર જનતાની સેવા કરવી છે. અમે એવી સરકાર બનાવીશું જ્યાં ખેડૂત ખુશહાલ હશે, વેપારી ખુશહાલ હશે અને યુવાનોને રોજગાર મળશે. જ્યાં ખેડૂતોને સમયસર ખાતર મળશે, સમયસર બીયારણ મળશે, સિંચાઈનું પાણી મળશે અને પાકના પૂરાં ભાવ મળશે. એવું ગુજરાત બનાવશું જ્યાં રસ્તાઓ સારા હશે, ઉત્તમ સરકારી સ્કૂલો અને સારી હોસ્પિટલો બનાવવામાં આવશે. એવું ગુજરાત બનાવશું જ્યાં નકલી દારૂ નહીં હોય અને કોઈ નશો નહીં હોય.
ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, કાર્યકરો અને સક્રિય સભ્યો દ્વારા ગુજરાતભરમાં સંગઠનના કામને ઝડપથી આગળ ધપાવવામાં આવ્યું છે. સૌપ્રથમ ગુજરાત છોડો અભિયાન ચલાવવામાં આવ્યું, ત્યારબાદ જિલ્લા પંચાયત સ્તરે મીટીંગ યોજી, સંગઠનનું માળખું બનાવાયું, અને પછી ગામ-ગામ અને મહોલ્લા મહોલ્લામાં મીટીંગો યોજવામાં આવી. જ્યાં ઓછું બોલવું પરંતુ વધુ કાર્ય કરવું એ જ સફળ સંગઠનનો ગુણ છે. પૂર્વ ઝોન સંમેલનમાં રાજ્યના તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના કાર્યકરો જોડાયા છે અને લોકસભા, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સંગઠનનું માળખું મજબૂત બનાવવામાં આવ્યું છે. આ બતાવે છે કે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સતત મજબૂત બનતું જઈ રહ્યું છે. જ્યાં-જ્યાં ગામોમાં બેઠક થઈ ગઈ છે, મહોલ્લાઓમાં બેઠકો થઈ ગઈ છે, ત્યાં હવે ડોર-ટુ-ડોર કેમ્પેઈન શરૂ થઈ રહ્યું છે. હું પંચમહાલ, આણંદ અને વડોદરાના લોકોને પણ કહું છું કે હજુ પણ મોકો છે. ડોર-ટુ-ડોર અભિયાન માટે ટીમ બનાવો. અને બૂથ પર મજબૂત સંગઠન બનાવો. આ ભાજપવાળાઓને બે વાતનો ઘમંડ છે. એક, 30 વર્ષથી અમારી સત્તા છે અને બીજું કે અમારું સંગઠન સૌથી મજબૂત છે. આપણે સત્તાના ઘમંડને પણ તોડવાનો છે અને સંગઠનના ઘમંડને પણ તોડવાનો છે. આ કામ માટે તમારે ડોર-ટુ-ડોર અભિયાનને વધુ આગળ વધારવાનું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની તાનાશાહી, પોલીસ દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સામે હવે જનતાનો અવાજ વધુ મજબૂત બનતો જાય છે. ભાજપ સરકાર રાજકીય વિરોધીઓને દબાવવા માટે પોલીસ અને તંત્રનો દુરુપયોગ કરી રહી છે. અમારા અનેક કાર્યકરોને ખોટા કેસોમાં જેલમાં નાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો જેલથી ડરનારા નથી. એક મહિનો હોય કે ત્રણ મહિના, અમે સંઘર્ષ માટે તૈયાર છીએ. સત્ય અને જનહિત માટે જેલમાં જવું પડે તો પણ અમે પીછેહઠ કરવાના નથી. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે ભાજપે ખેતી, ધંધા અને સામાન્ય જનજીવન બરબાદ કરી દીધું છે. જનતાના હકો છીનવી લઈ સંપત્તિ મોટા માથાઓને સોંપી દીધી છે. વડોદરા જેવા શહેરોમાં બહુમતી હોવા છતાં ખાડા, ખરાબ રસ્તા અને વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇસુદાન ગઢવીએ કાર્યકરોને લોભ-લાલચથી દૂર રહેવા અપીલ કરી હતી. ભાજપ કરોડો રૂપિયા લઈને લાલચ આપશે, પણ આ વખતે જનતાએ અને કાર્યકરોએ એકજૂટ થઈ ભાજપને જવાબ આપવાનો સમય આવી ગયો છે.
જનમેદની સંબોધન કરતાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકશાહીના અવાજોને દબાવવા માટે બેનરો, હોર્ડિંગ્સ અને પાર્ટીના ઝંડાઓ ઉખેડી ફેંકીને નિમ્નકક્ષાની રાજનિતી કરી રહી છે. અમદાવાદ બાદ વડોદરામાં પણ આવાં અનેક બનાવો સામે આવ્યા છે, જે ભાજપની તાનાશાહી માનસિકતા દર્શાવે છે. જેમ બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરે આ ધરતી પરથી સમગ્ર દેશને ન્યાય આપતું સંવિધાન આપ્યું, તેમ આજે સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી વડોદરાથી સંકલ્પ લેવાનો સમય આવ્યો છે કે 2027માં ગુજરાતની તાનાશાહી ભાજપ સરકારને ઉખાડી ફેંકી દેવામાં આવશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી શ્રમિકોના હક માટે મજબૂત અવાજ ઉઠાવશે. ગુજરાતના શ્રમિકોને યોગ્ય વળતર, બોનસ, પી.એફ., મેડિક્લેમ જેવી મૂળભૂત સુવિધાઓ અપાવવા માટે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરશે. હાલની ભાજપ સરકાર અને કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા શ્રમિકો પર થતું શોષણ હવે સહન કરવામાં નહીં આવે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર અને દરેક પદાધિકારી શ્રમિકોના હિત માટે રસ્તા પર ઉતરી લડશે અને આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે શ્રમિકોની બાજુમાં ઊભી રહેશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ન્યાય, સંવિધાન અને શ્રમિક અધિકારો માટે સંઘર્ષ કરતી રહી છે અને આવનારા સમયમાં આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે.
વડોદરામાં યોજાયેલી સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જ્યારે રાજુભાઈ કરપડા, ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા બોલે છે, ત્યારે હજારો લોકોમાં હિંમત જગાવે છે, ગોપાલભાઈ બોલે તો હજારો લોકોનો આત્મા જાગે છે, અને જ્યારે કરોડો લોકોનો આત્મા જાગી જાય, ત્યારે ભાજપના ઘમંડને તોડવાની શક્તિ લોકોમાં આવી જાય છે. સરકાર પર કટાક્ષ કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજુભાઈ, ચૈતરભાઈ, પ્રવીણભાઈ, ગોપાલભાઈ, કેજરીવાલજી અને ઇસુદાન ગઢવી બધા જ લોકોને જાગૃત કરવાનો ગુનો કરી રહ્યા છે, એટલે જ તેમને જેલમાં મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 30 વર્ષથી લોકોને ઊંઘમાં રાખીને હિન્દુ-મુસલમાન, ભારત-પાકિસ્તાનના નામે આંખો બંધ કરી દેવાઈ હતી. ગુજરાતમાં જનતા વધુ જાગૃત થઈ રહી છે અને BJP ના ઘમંડ સામે ઊભી થઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓથી નહીં પરંતુ જનતાનો આત્મા જાગી જાય તે વાતનો ભાજપને ડર લાગી રહ્યો છે.




