
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ નિતિન બરોટ, જીતુ ઉપાધ્યાય, પીયુષભાઈ, રાકેશ મહેરિયા અને મેહુલ શ્રીમાળી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તકે પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટીમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા ગયા હતા. જે અંગે તમામ સંબંધિત અધિકારીઓને ઇમેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તેમજ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અમારી મુખ્ય માંગ એ છે કે ફોર્મ નં. 7 જે રાજકીય વોલન્ટિયર્સ દ્વારા ભરવામાં આવ્યા છે, તે અમને તાત્કાલિક આપવામાં આવે જેથી તેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય. હાલમાં જે રીતે મોટા પાયે મતદારોના નામ કાઢવા માટે ફોર્મ નં. 7ની અરજીઓ કરવામાં આવી રહી છે, તે શંકાસ્પદ છે. કેટલાક ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પક્ષના મત કાપવાનો ષડયંત્રપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અમારે પાસે પુરાવાઓ ઉપલબ્ધ છે અને હજુ વધુ પુરાવાઓ એકત્ર થઈ રહ્યા છે.
પ્રણવ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે જો આટલા મોટા પ્રમાણમાં એટલે કે સાડા નવ લાખ જેટલી ફોર્મ નં. 7ની અરજીઓ આવે છે અને જો તેને ERO દ્વારા સ્વીકારવામાં આવે, તો એ સ્પષ્ટ થાય છે કે ક્યાંક B.L.O.ની કામગીરીમાં ગંભીર ખામીઓ છે અથવા કોઈ vested interest હેઠળ કામગીરી થઈ રહી છે. જો કોઈ સરકારી અધિકારી કાયદા વિરુદ્ધ કામગીરી કરતો હોવાનું સામે આવશે, તો આમ આદમી પાર્ટી તેની સામે કાયદેસર અને ફોજદારી કાર્યવાહી કરશે. તેમણે ઉમેર્યું કે જો ફોર્મ નં. 7 ખોટી રીતે ભરવામાં આવ્યા હોવાનું સાબિત થશે, તો તે ફોર્મ ભરનારાઓ સામે પણ આગામી સમયમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે વિસ્તારોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવશે ત્યાં સંબંધિત B.L.O. અને E.R.O. સામે પણ કડક કાર્યવાહી માટે દબાણ કરવામાં આવશે. મતદાર યાદી સુધારણા દરમિયાન કોઈપણ પ્રકારનું ડિમોલિશન ન કરવામાં આવે. આ અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો વર્ષ 2005નો સ્પષ્ટ ઓર્ડર પણ રજૂ કરવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં ડિમોલિશન થાય તો લોકો તેમના મતાધિકારથી વંચિત રહી શકે છે. અંતમાં પ્રણવ ઠક્કરે તમામ B.L.O., E.R.O., કલેક્ટરો અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી કે તેઓ કાયદા મુજબ તટસ્થ રીતે કાર્યવાહી કરે. જો સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આમ આદમી પાર્ટી પોતે કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર થશે.




