
ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યુરાજ્યના ૧.૭૩ કરોડ મતદારોનો ડેટા મેચ ન થતાં ચૂંટણી તંત્રની નોટિસઆટલા મોટા પ્રમાણમાં ડેટા મિસમેચ થવાને કારણે મતદાર યાદીની વિશ્વસનીયતા અને પ્રક્રિયાની પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.ગુજરાતમાં બહાર પડેલી ડ્રાફ્ટ મતદાર યાદીના રિવિઝન બાદ ચૂંટણી તંત્ર સામે મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યમાં જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ ૪.૩૪ કરોડ મતદારોમાંથી અંદાજે ૧.૭૩ કરોડ મતદારોનો ડેટા અગાઉની મતદાર યાદી સાથે મેચ ન થતાં ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં ડેટા મિસમેચ થવાને કારણે મતદાર યાદીની વિશ્વસનીયતા અને પ્રક્રિયાની પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ચૂંટણી વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આ મતદારોના નામ, ઉંમર, સરનામા સહિતની વિગતો વર્ષ ૨૦૦૨ની જૂની મતદાર યાદી સાથે મેળ ખાતી નથી. આ કારણે સંબંધિત મતદારોને બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) મારફતે નોટિસ પાઠવીને પંચ સમક્ષ રૂબરૂ હાજર થવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં લાખો મતદારોને નોટિસ મળતા રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે.
ચૂંટણી વિભાગના સૂત્રો જણાવે છે કે આ ખામીઓને “લોજિકલ ડિસ્ક્રિપન્સી” અને “નો મેપિંગ” તરીકે ગણવામાં આવી છે. જૂની મતદાર યાદીમાં અનેક કિસ્સાઓમાં ટેક્નિકલ અને માનવ ભૂલો સામે આવી છે. ક્યાંક ઘર નંબરને ભૂલથી મતદારની ઉંમર તરીકે નોંધવામાં આવ્યો હતો, તો ક્યાંક નામની સ્પેલિંગમાં તફાવત, સરનામામાં ખામી કે અધૂરી માહિતીના કારણે ડેટા મેચ થયો નથી. આ ભૂલો મોટા ભાગે મતદારોની નહીં પરંતુ અગાઉની ડેટા એન્ટ્રી પ્રક્રિયાની હોવાનું અધિકારીઓ માની રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉ ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચના હતી કે જેમણે પોતાના દસ્તાવેજાે બીએલઓ, ઇઆરઓ કે એઇઆરઓને આપી દીધા છે, તેમને ફરીથી નોટિસ આપવાની નથી. તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાંથી આવા મતદારોને પણ નોટિસ મળ્યાની ફરિયાદો સામે આવી છે. મતદારોનું કહેવું છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરીથી હાજર થવાની ફરજ પડતા ગેરસમજ અને અસંતોષ ફેલાયો છે.
ચૂંટણી તંત્રનું કહેવું છે કે આ ખામીઓ મતદારોની ભૂલ નથી, પરંતુ મતદાર યાદીની શુદ્ધતા અને સચોટતા જાળવવા માટે રૂબરૂ ચકાસણી જરૂરી બની છે. અધિકારીઓ મુજબ જાે આ તબક્કે ચકાસણી ન કરવામાં આવે તો ભવિષ્યમાં મતાધિકાર સંબંધિત વિવાદો ઊભા થઈ શકે છે.
મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ મતદાર યાદી બાદ મોટા પ્રમાણમાં દાવા અને વાંધાઓ પ્રાપ્ત થયા છે. તેમના જણાવ્યા અનુસાર, નામ ઉમેરવા માટે કુલ ૬.૫૪ લાખ ફોર્મ નંબર ૬ અને ૬છ મળ્યા છે. જ્યારે નામ ડિલીટ કરવા માટે ૧૨.૬૪ લાખ ફોર્મ નંબર ૭છ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત નામમાં સુધારણા અથવા સ્થળાંતર માટે કુલ ૫.૦૪ લાખ ફોર્મ નંબર ૮ મળ્યા છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ૩૦ જાન્યુઆરી સુધી મતદારો દાવા-વાંધા રજૂ કરી શકશે. તમામ અરજીઓની વિગતવાર ચકાસણી બાદ જ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી વિભાગે મતદારોને અપીલ કરી છે કે નોટિસ મળ્યા બાદ ગભરાયા વિના જરૂરી દસ્તાવેજાે સાથે સમયસર હાજર રહે, જેથી તેમનો મતાધિકાર સુરક્ષિત રહી શકે.




