
ગાંભોઈ પોલીસે આડા હાથરોલ પાસે વોચ ગોઠવી હતી, ગાંભોઈ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી સાબરકાંઠા જિલ્લાની ગાંભોઈ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે
સાબરકાંઠા જિલ્લાની ગાંભોઈ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. ફિલ્મી દ્રશ્યો સર્જાય તે રીતે પોલીસે દારૂ ભરેલી પીકઅપ વાનનો પીછો કરીને તેને ઝડપી પાડી છે. જાેકે, પોલીસને જાેઈને વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે.
આ કિસ્સામાં પણ, પીકઅપ વાનમાં દારૂની હેરાફેરી કરવા માટે ખાસ ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું. ઉપરથી જાેતા વાન ખાલી લાગે, પરંતુ અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવેલો હતો. ગાંભોઈ પોલીસે આડા હાથરોલ પાસે વોચ ગોઠવી હતી, પરંતુ ચાલકે વાહન ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને અંતે બામણા ગામ પાસેથી વાન ઝડપી પાડી હતી.
પોલીસે પીકઅપ વાનની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં નશીલો જથ્થો મળી આવ્યો હતો: કુલ ૧૪૭૬ બોટલ અને ટીન (કિંમત રૂ.૫.૨૦ લાખ). પીકઅપ વાન સહિત કુલ રૂ.૧૦.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ મામલે ગાંભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.




