
મનાલી-શિમલામાં ચક્કાજામ ઉત્તર ભારતમાં આકાશી આફત, હિમાચલમાં ૫૩૫ રસ્તાઓ બંધ ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ : પૂંચમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા
જમ્મુમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા પડી હતી. શુક્રવારથી જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયું હતું. જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું હતું. ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ હતી. પૂંચમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં બધી જ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી જ્યારે શિમલામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જાેકે, પર્વતીય વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના પર્વતીય વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગયું હતું જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય નજીક પહોંચી ગયું હતું. પૂંછમાં પ્રતિ કલાક ૮૦ અને અનંતનાગમાં પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાતા વૃક્ષો, થાંભલા અને વીજળીના તાર પડી ગયા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પરિવર્તનથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
ઉત્તર ભારતમાં આકાશી આફતને કારણે પહાડી વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલા બરફના થર જામી ગયા છે, ગુજરાતીઓના મનપસંદ સ્થળ મનાલી અને શિમલામાં ભારે ટ્રાફિકજામ જાેવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ૫૩૫ રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે.
હવામાનની સ્થિતિ જતાં પૂંછમાં ૨૮ જાન્યુઆરી સુધી સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના લગભગ બધા જ ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થયા છે. પૂંચ અને ઉધમપરુ જિલ્લાઓમાં બરફાચ્છાદિત વિસ્તારોમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા જ્યારે મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદના પગલે લગભગ બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલો ડ્રાય સ્પેલ પૂરો થયો હતો.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, પૂંચ જિલ્લાના મેન્ધાર વિસ્તારમાં તોતાગાલિમાં ૭૦ લોકો ફસાયા હતા. તેમને વિપરિત હવામાન છતાં બચાવી લેવાયા હતા. ભારે હિમવર્ષાના કારણે કૃષ્ણા ઘાટીમાં અન્ય ૩૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. હિમવર્ષના કારણે ભારત અને કાશ્મીર ખીણને જાેડતો એકમાત્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો, જેના પગલે હજારો વાહનો રસ્તામાં ફસાયા હતા. બીજીબાજુ કાશ્મીરમાં શુક્રવારે ભારે હિમવર્ષાના કારણે બધી જ ૨૦ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી, જેથી હવાઈ ટ્રાફિક ખોરવાયો હતો. હિમવર્ષાના પગેલ વિમાનો માટે રનવે અસલામત થઈ ગયો હતો.
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી આપી હતી. આગામી ૨૪ કલાકમાં ગંદરબલ જિલ્લામાં ૨૩૦૦ મીટરથી ઉપરના ઊંચાણવાળા વિસ્તારમાં હિમપ્રપાતનું જાેખમ છે. ઉત્તરાખંડમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. જાેકે, હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.
દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલથી દિલ્હી સુધીના વિસ્તારોમાં પ્રવાસીઓમાં હિમવર્ષાથી ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે આ સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી, જેથી ત્રણ મહિના લાંબા ડ્રાય સ્પેલનો અંત આવ્યો હતો અને હિલ સ્ટેશનો પર પ્રવાસીઓ ખુશીથી ઝુમી ઊઠયા હતા.
હિમવર્ષાથી ખેડૂતો અને બાગાયતી પાકના ઉત્પાદકોને પણ રાહત થઈ હતી. જાેકે, ભારે હિમવર્ષાના કારણે શિમલામાં સ્કૂલો બંધ કરવી પડી હતી. વાતાવરણ બદલાતા દિલ્હીમાં મધ્યમ વરસાદ પડયો હતો, જેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.




