
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે પ્રાકૃતિક ખેતી મુદ્દે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે એક ખેડૂતલક્ષી મિટિંગમાં હાજરી આપી હતી. વિસાવદર અને ભેંસાણ જુનાગઢ તાલુકામાં પ્રાકૃતિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) કરતા ખેડૂતોને માર્કેટ મળે, ખેડૂતોને લાભ થાય અને પ્રાકૃતિક ખેતીમાં શું શું થઈ શકે, તેની જાણકારી આપવા માટે એક પ્રયત્નના ભાગરૂપે ખેડૂતલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ફેસબુક લાઇવ દ્વારા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી શું હોય છે, કેવા ફાયદા થાય છે અને ધારાસભ્ય તરીકે હું ખેડૂતોને કેવી રીતે મદદરૂપ બની શકું એ બાબતે જાણકારી મેળવવાનો મને રસ હતો, જેથી અમે આ મીટીંગનું આયોજન કર્યું હતું. ગિરનાર પર્વતના ફરતે 90 ટકા વિસ્તાર વિસાવદર ભેસાણ વિસ્તાર સાથે જોડાયેલો છે અને આ વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે પરંતુ લોકોને આના વિશે માહિતી નથી. મતલબ કે આ વિસ્તારના ખેડૂતો પાસે ફળદ્રુપ જમીન છે, પાણી છે, જંગલો છે, પહાડ છે અને મહેનત કરવાવાળા ખેડૂતો છે, પરંતુ એક સારું માર્કેટ નથી. તો આવનાર સમયમાં વધુ મીટીંગો કરીને ઓર્ગેનિક ખેતીનું માર્કેટ કઈ રીતે ઊભું કરવું તેનું પ્લાનિંગ કરીશું.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગીશ જે લોકો ઓર્ગેનિક ફાર્મિંગ માટે કોઈ પ્લેટફોર્મ ઊભું કરવામાં મદદરૂપ થઈ શકે, સાથે સાથે સોશિયલ મીડિયા, ઈ કોમર્સ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, પેકેજીંગ જેવા કામકાજ મુદ્દે જે પણ લોકો અમને મદદ કરવા માગતા હોય તેવો અમારો સંપર્ક કરે. ગુજરાતભરમાંથી લોકો આ કામકાજને સપોર્ટ આપશે અને ભેસાણ વિસાવદરના ખેડૂતો પાસેથી ઓર્ગેનિક વસ્તુઓ ખરીદશે તો મારા ખેડૂતોનો ઉત્સાહ વધે એમ છે. તો હાલ આવા એક સામાન્ય વિચાર સાથે મીટીંગ કરવામાં આવી હતી અને આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં આપણે મોટું પ્લેટફોર્મ બનાવીએ.




